VIDEO : PM MODIને 'ઝાલમુરી' ખવડાવવી ભારે પડી! પશ્ચિમ બંગાળના દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી મળી જાનથી મારવાની ધમકી
પશ્ચિમ બંગાળના ઝાડગ્રામ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથની બનેલી 'ઝાલમુરી' ખવડાવનાર એક સ્થાનિક દુકાનદારને હવે ઈન્ટરનેશનલ નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે લોકપ્રિયતાએ આ દુકાનદારને રાતોરાત સોશિયલ મીડિયાનો સ્ટાર બનાવી દીધો હતો, તે જ પ્રખ્યાતિ હવે તેના અને તેના સમગ્ર પરિવાર માટે ભયનો માહોલ બનાવી રહી છે.
પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણી દરમિયાન 19 એપ્રિલના રોજ પીએમ મોદી ઝાડગ્રામ જિલ્લામાં એક ચૂંટણી જનસભાને સંબોધવા પહોંચ્યા હતા. રેલી પૂરી થયા બાદ જ્યારે પીએમ મોદીનો કાફલો પરત ફરી રહ્યો હતો, ત્યારે તેઓ અચાનક રસ્તાના કિનારે 'ઝાલમુરી' વેચતા બિક્રમ સાઉની દુકાને પહોંચી ગયા હતા.
પીએમ મોદીએ ભારે હોંશથી બિક્રમના હાથની બનેલી ઝાલમુરી ખાધી હતી અને તેની સાથે વાતચીત પણ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જોતજોતામાં પશ્ચિમ બંગાળની ઝાલમુરી એક વૈશ્વિક ઓળખ સમાન બની ગયો. ગુજરાતી વેપારીઓએ પણ ઝાલમુરી બનાવટ વેચાણ માટે ઉપલબ્ધ કરી દીધી. પીએમ મોદીએ જે દુકાનેથી ઝાલમુરી ખાધી તે વિક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા અને જોતજોતામાં લોકો તેની દુકાને મોટી સંખ્યામાં પહોંચવા લાગ્યા.
પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવી રહ્યા છે ફોન
વિક્રમ સાઉનો આરોપ છે કે અચાનક મળેલી આ લોકપ્રિયતા હવે તેમના અને તેમના પરિવાર માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના મોબાઈલ ફોન પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના ઈન્ટરનેશનલ નંબરો પરથી સતત ફોન કોલ્સ અને વોટ્સએપ વીડિયો કોલ્સ આવી રહ્યા છે. પીડિત દુકાનદારે દાવો કર્યો છે કે આ કોલ્સ દ્વારા તેમને અને તેમના પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપવામાં આવી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટનાએ બિક્રમ સાઉ અને તેમના પરિવારને ઊંડા ડર અને ચિંતામાં મૂકી દીધા છે. આ મામલાની માહિતી પોલીસ પ્રશાસનને પહેલેથી જ આપી દેવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઈન્ટરનેશનલ નંબરો પરથી આવી રહેલા આ ધમકીભર્યા ફોનથી સમગ્ર વિસ્તારમાં પણ ચિંતા અને સનસનાટી મચાવી દીધી છે.

