VIDEO: થાણેમાં શિવસેના UBT નેતાની ઓફિસ સામે જ હત્યા, બાઇક સવાર શૂટરોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર
મુંબઈ : મહારાષ્ટ્રના થાણેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. માનપાડા વિભાગના પ્રમુખ પ્રદીપ પુર્ણેકર પોતાના કાર્યાલય નજીક હાજર હતા ત્યારે હેલ્મેટ અને માસ્ક પહેરીને બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર અચાનક ગોળીબાર કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પુર્ણેકરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ઓફિસ બહાર જ શૂટરોનો હુમલો, અનેક રાઉન્ડ ફાયરિંગ
પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના થાણેના મનોરમાનગર વિસ્તારમાં બની હતી. પ્રદીપ પુર્ણેકર પોતાના કાર્યાલય નજીક ઊભા હતા ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમને નિશાન બનાવીને અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન બે ગોળીઓ પુર્ણેકરને વાગી હતી. ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર ઢળી પડ્યા હતા.
ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને ગંભીર રીતે ઘવાયેલા પુર્ણેકરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
હેલ્મેટ-માસ્કથી ચહેરો ઢાંક્યો, CCTVથી તપાસ તેજ
હુમલાખોરોએ હેલ્મેટ અને માસ્ક પહેર્યા હોવાથી તેમની ઓળખ કરવી પોલીસ માટે પડકાર બની છે. ઘટનાની જાણ થતાં જ થાણે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.
હત્યાનું કારણ હજુ અકબંધ
પ્રદીપ પુર્ણેકરની હત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ રાજકીય અદાવત, અંગત દુશ્મની સહિતની વિવિધ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. હુમલાખોરો કેટલા હતા અને કયા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

