પુણેના રૂબી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ શરદ પવાર મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ: સુપ્રિયા સુલેએ આપી હેલ્થ અપડેટ

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા અને વરિષ્ઠ રાજનેતા શરદ પવારને ફરી એકવાર મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તેમના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી શરદ પવારને ખાંસી અને છાતીમાં કફ/દુખાવાની તકલીફ હોવાથી પુણેની રૂબી હોલ ક્લિનિકમાં સારવાર આપવામાં આવી રહી હતી. તબિયતમાં સુધારો જણાતાં આજે (૪ નવેમ્બર) બપોરે તેમને રૂબી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ પરિવાર સાથે મુંબઈ રવાના થયા હતા. જોકે, તકેદારીના ભાગરૂપે અને આગળના નિયમિત મેડિકલ ચેકઅપ માટે તેમને મુંબઈ પહોંચતા જ બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવાયા છે.
સુપ્રિયા સુલેએ તેમના સમર્થકો અને શુભેચ્છકોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, પવાર સાહેબના તમામ મહત્વપૂર્ણ હેલ્થ પેરામીટર્સ સામાન્ય અને સ્થિર છે. ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને શરદ પવારની તબિયતની પૃચ્છા કરી હતી અને તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી.





