મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર મોટી દુર્ઘટના: દરિયામાં નહાવા પડેલા પુણેના 8 વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી કરૂણ મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દિવેઆગર બીચ પર ગુરુવારે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. દરિયામાં નહાવા ગયેલા પુણેના આળંદી વિસ્તારના 8 વિદ્યાર્થીઓનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ તરફથી પ્રવાસ માટે આવેલા આ તમામ વિદ્યાર્થીઓ અચાનક ઊંચા મોજાં અને પાણીના જોરદાર પ્રવાહની ઝપેટમાં આવી ગયા હતા.
પ્રવાસમાં 42 વિદ્યાર્થીઓનું ગ્રૂપ આવ્યું હતું
મળતી વિગતો મુજબ, આળંદી સ્થિત ધોરણ 11 અને 12ના કુલ 42 વિદ્યાર્થીઓ દિવેઆગર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ગ્રૂપમાંથી 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા. પાણીમાં ઉતર્યાના થોડા જ સમયમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું અને જોરદાર મોજાં ઉછળવા લાગ્યા હતા, જેના કારણે જોતજોતામાં તમામ 8 વિદ્યાર્થીઓ દરિયાના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા.
સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સ ટીમે મૃતદેહો બહાર કાઢ્યા
દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક રાહત-બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. મહાકાલી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ દરિયામાંથી તમામ 8 વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને બોરલી પંચતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે.
દરિયાની ઊંડાઈ અને ભરતી-ઓટનો અંદાજ ન આવ્યો
સ્થાનિક બચાવ દળના જણાવ્યા મુજબ, દિવેઆગર બીચ સુંદર અને શાંત હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. જોકે બહારથી આવતા પ્રવાસીઓને દરિયાની વાસ્તવિક ઊંડાઈ અને ભરતી-ઓટના સમયનો યોગ્ય અંદાજ હોતો નથી. અચાનક ઊંચા ઉછળેલા મોજાંના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર સાથે આવેલા શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરી વધુ વિગતો મેળવી રહ્યું છે.

