MBA કરવા લંડન ગયેલી યુવતીનો પુણેના ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ! પિતાએ બેંક એકાઉન્ટ તપાસ્યું તો ઊડી ગયા હોશ

34 વર્ષની મુગ્ધા દેશમુખના મોતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારને વિશ્વાસ હતો કે મુગ્ધા લંડનમાં રહીને MBAનો અભ્યાસ કરી રહી છે, પરંતુ હકીકતમાં તે ઓગસ્ટ મહિનામાં જ ગુપ્ત રીતે ભારત પરત આવી ગઈ હતી. પરિવારને તેની ભારતમાં હાજરીનો પત્તો પણ ન હતો. આખરે બેંક એકાઉન્ટમાં થયેલા ફૂડ ડિલિવરી અને ઓનલાઈન સર્વિસના ટ્રાન્ઝેક્શનના આધારે તેની શોધખોળ શરૂ થઈ અને પુણેના એક ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો.
જુલાઈ 2025માં MBA માટે લંડન ગઈ હતી મુગ્ધા
મળતી માહિતી મુજબ, છત્રપતિ સંભાજીનગરની રહેવાસી 34 વર્ષીય મુગ્ધા દેશમુખ જુલાઈ 2025માં MBAનો અભ્યાસ કરવા માટે બ્રિટન ગઈ હતી. તે લંડનમાં એકલી રહેતી હતી અને અભ્યાસની સાથે પાર્ટટાઇમ નોકરી પણ કરતી હતી. પરિવાર સાથે ફોન અને મેસેજ દ્વારા તેનો સંપર્ક રહેતો હતો.
જોકે, ઓગસ્ટ 2026ના અંતમાં મુગ્ધા કોઈને જાણ કર્યા વિના ભારત પરત આવી ગઈ હતી. તેણે પુણેના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં આવેલા ગહુંજેના લોઢા બેલમોન્ડો કોમ્પ્લેક્સમાં ભાડે ફ્લેટ લીધો હતો.
24 ઓક્ટોબરથી ફોન બંધ થતાં પરિવાર ચિંતામાં
મુગ્ધાના પિતા અવિનાશ દેશમુખના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરથી દીકરીનો સંપર્ક થઈ શકતો ન હતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. પરિવારે લંડનમાં રહેતી તેની એક મિત્રનો સંપર્ક કર્યો હતો. મિત્રએ જણાવ્યું કે 22 ઓક્ટોબરે મુગ્ધા સાથે છેલ્લીવાર મેસેજ દ્વારા વાત થઈ હતી.
મિત્રએ લંડન પોલીસમાં મુગ્ધા ગુમ થયાની જાણ કરી હતી, પરંતુ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે ઓગસ્ટના અંતમાં જ બ્રિટન છોડી ચૂકી હતી. ત્યારબાદ પરિવારે ભારતીય સત્તાવાળાઓ અને ભારતીય હાઈ કમિશનની મદદ માગી હતી.
ફૂડ ડિલિવરીના ટ્રાન્ઝેક્શનથી મળ્યું લોકેશન
મુગ્ધાના પિતાએ તેના બેંક સ્ટેટમેન્ટ તપાસતાં 8થી 25 ઓક્ટોબર દરમિયાન ફૂડ ડિલિવરી અને ઓનલાઈન સર્વિસ પ્લેટફોર્મ પર અનેક ટ્રાન્ઝેક્શન થયેલા જોવા મળ્યા હતા. એક ટ્રાન્ઝેક્શન છત્રપતિ સંભાજીનગરના ઓસ્માનપુરા વિસ્તાર સાથે જોડાયેલું હોવાની શંકા ઊભી થઈ હતી.
આથી પરિવારને મુગ્ધા ભારતમાં હોવાની આશંકા થઈ અને તેમણે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને મુગ્ધાનું લોકેશન પુણેના ગહુંજે વિસ્તારમાં આવેલા લોઢા બેલમોન્ડો કોમ્પ્લેક્સમાં મળ્યું હતું.
લોકસ્મિથની મદદથી ફ્લેટ ખોલાવ્યો તો મળી લાશ
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટનો દરવાજો ખોલવા માટે લોકસ્મિથની મદદ લેવામાં આવી હતી. અંદર પ્રવેશ કરતાં મુગ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર બહારથી ઈજાનાં કોઈ સ્પષ્ટ નિશાન જોવા મળ્યાં નહોતાં.
પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે શરીરના આંતરિક અંગોના નમૂના સાચવી રાખ્યા છે. મુગ્ધાએ એપ્રિલ મહિનામાં આ ફ્લેટ ભાડે લીધો હતો, પરંતુ ઓગસ્ટમાં બ્રિટનથી પરત આવ્યા બાદ ત્યાં રહેવાનું શરૂ કર્યું હતું.
હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ (Investigation) હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસના અહેવાલ બાદ જ મુગ્ધાના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.










