આકાશ આનંદના રાજકીય ભવિષ્ય માટે સસરા અશોક સિદ્ધાર્થે લીધો સંન્યાસ: માયાવતીએ મૂકી હતી શરત

બહુજન સમાજ પાર્ટી (BSP)માં ચાલી રહેલા આંતરિક રાજકીય ઘટનાક્રમ વચ્ચે મોટો ફેરફાર સામે આવ્યો છે. બસપાના પૂર્વ રાજ્યસભા સાંસદ અને આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થે સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બસપા સુપ્રીમો માયાવતીની એક દિવસ અગાઉની સલાહ બાદ લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અશોક સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર એક ભાવુક પોસ્ટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.
માયાવતીએ મૂકી હતી શરત
તાજેતરમાં માયાવતીએ આકાશ આનંદને રાજકીય રીતે અપરિપક્વ ગણાવીને તેમને પાર્ટીના કોઓર્ડિનેટર સહિત તમામ જવાબદારીઓમાંથી દૂર કર્યા હતા. ત્યારબાદ આકાશ આનંદને ફરી પાર્ટીમાં જવાબદારી સોંપવા અંગે પણ માયાવતીએ એક શરત મૂકી હતી.
માયાવતીના જણાવ્યા મુજબ, જો અશોક સિદ્ધાર્થ પોતાની રાજકીય મહત્વાકાંક્ષા છોડીને સંપૂર્ણપણે રાજકારણમાંથી નિવૃત્તિ લે તો આકાશ આનંદને તેમની અગાઉની જવાબદારીઓ પરત આપવાનો વિચાર થઈ શકે છે. આ નિવેદનના માત્ર 24 કલાકની અંદર અશોક સિદ્ધાર્થે સંન્યાસની જાહેરાત કરી છે.
માયાવતીને લખ્યો ભાવુક પત્ર
અશોક સિદ્ધાર્થે પોતાના પત્રમાં માયાવતી અને બસપા પ્રત્યે પોતાની વફાદારી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમના માટે ‘બહેનજી’નો આદેશ સર્વોપરી છે અને તેમના માર્ગદર્શનની સામે પારિવારિક સંબંધો પણ નાના છે.
તેમણે પાર્ટી પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આરોપોને પણ ફગાવી દીધા હતા. કેટલાક લોકો દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી રહી હતી કે તેઓ આકાશ આનંદને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જોકે, અશોક સિદ્ધાર્થે આ આરોપોને પાયાવિહોણા ગણાવી કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં આકાશ સાથે તેમની મુલાકાત પણ માત્ર પાર્ટીના કાર્યક્રમો દરમિયાન જ થઈ છે.
35 વર્ષનો બસપા સાથેનો સંબંધ
અશોક સિદ્ધાર્થે બસપા સાથેના પોતાના આશરે 35 વર્ષના રાજકીય સફરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે માન્યવર કાંશીરામ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના મિશન સાથે જોડાયેલા રહીને માયાવતીના માર્ગદર્શનને કારણે એક સામાન્ય કાર્યકર તરીકે શરૂ કરેલી તેમની સફર સંસદ અને વિધાનમંડળ સુધી પહોંચી હતી.
તેમણે સ્પષ્ટ કર્યું કે આકાશ આનંદને પાર્ટીમાં ફરી જવાબદારી આપવી કે નહીં તે સંપૂર્ણપણે બસપા સુપ્રીમો માયાવતીનો અધિકાર છે. પોતાના સંન્યાસને આકાશ આનંદની રાજકીય વાપસી સાથે સીધી રીતે જોડીને ન જોવાની પણ અપીલ કરી હતી.
અશોક સિદ્ધાર્થે અંતમાં કહ્યું કે જો માયાવતીને એવું લાગે છે કે તેમના રાજકારણમાં રહેવાથી સંતો, ગુરુઓ અને મહાપુરુષોના બહુજન મિશનને નુકસાન થઈ રહ્યું છે, તો તેઓ તાત્કાલિક અસરથી રાજકીય તેમજ સામાજિક જીવનમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.

