VIDEO: અયોધ્યામાં આકાશી આફત અને પૂરનું સંકટ: સરયૂ નદી ખતરાના નિશાનથી ૨૩ સેમી ઉપર!
ઉત્તર પ્રદેશના રામનગરી અયોધ્યામાંથી પૂરના સંકટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસ અને સમગ્ર વિસ્તારમાં પડી રહેલા ભારે મુસળધાર વરસાદને કારણે પવિત્ર સરયૂ નદીના જળસ્તરમાં ભયજનક ઉછાળો નોંધાયો છે. સરયૂ નદી હાલમાં પોતાના ખતરાના નિશાનથી ૨૩ સેન્ટીમીટર ઉપર વહી રહી છે, જેના કારણે અયોધ્યાના કિનારાના વિસ્તારો અને ઘાટ પર પૂરની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. કેન્દ્રીય જળ આયોગના જૂનિયર એન્જિનિયર આકાશ પ્રતાપ સિંહે પરિસ્થિતિ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદને પગલે સરયૂ નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલમાં નદી ખતરાના નિશાનથી ૨૩ સેમી ઉપર વહી રહી છે અને પાણીનું સ્તર હજુ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. કેન્દ્રીય જળ આયોગની ટીમ દ્વારા ચોવીસે કલાક જળસ્તરનું સચોટ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચી જતાં અયોધ્યાના પ્રસિદ્ધ નયા ઘાટ, રામ કી પૌડી અને અન્ય કાંઠાળ વિસ્તારોના નીચાણવાળા ભોગમાં પાણી ઘૂસવા લાગ્યા છે. રામ મંડળ અને નદી કિનારે આવેલા ગામડાઓમાં પૂરનું જોખમ વધી જતાં સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે ઘાટો પર સ્નાન કરવા અને નદી કિનારે જવા પર તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે.
સરયૂ નદીના રૌદ્ર સ્વરૂપને જોતાં જિલ્લા પ્રશાસન અને સ્થાનિક પોલીસ સંપૂર્ણ હાઈ એલર્ટ મોડ પર આવી ગયા છે. નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે લાઉડસ્પીકર મારફતે સતત એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે. કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને પૂર રાહત દળોની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર ચોકીયાત નજર રાખવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

