VIDEO: નેપાળમાં પૂરની હોનારત બાદ ભયાવહ આકાશી દ્રશ્યો
ભારત-નેપાળ સરહદ પર પૂરથી સર્જાયેલા વિનાશક દ્રશ્યો સામે આવ્યાં છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થયા બાદ જે તબાહી સર્જાઈ છે તેના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યાં. નેપાળના ફુર્કે ખોલા વિસ્તારમાં ત્રિશૂલી નદીનું જળસ્તર એકાએક વધી ગયું છે. નેપાળ-ચીન બોર્ડર પર ગ્લેશિયર તૂટવાની શક્યતાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. આ પાણી ધીમે-ધીમે ગંડક નદી તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે બિહારના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગંડક બેરેજના દરવાજા યોગ્ય રીતે ઓપરેટ કરવા જણાવાયું છે, જેથી વધારાનું પાણી કોઈપણ અવરોધ વગર સુરક્ષિત રીતે આગળ નીકળી જાય અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય. ગંડક અને કોસી જેવી મોટી નદીઓનો સ્ત્રોત નેપાળમાં હોવાથી ત્યાંના વરસાદની સીધી અસર બિહારના વિસ્તારો પર પડે છે. પૂરના જોખમને પગલે ગંડક બેસિન હેઠળ આવતા પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ અને વૈશાલી તેમજ કોસી બેસિનના સુપૌલ, સહરસા, મધેપુરા અને અરરિયા જિલ્લામાં સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓને નદીના કિનારા અને પૂર સંરક્ષણ પાળાઓની સતત ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

