VIDEO: નેપાળમાં કૂદરતી આફતથી હાહાકાર
નેપાળમાં કૂદરતી આફતથી હાહાકાર
અચાનક આવેલ ઘોડાપૂરે મચાવી ભારે તબાહી!
૧૭ના મોત, ૧૦૦થી વધુ ભારતીયો સહિત સેંકડો પ્રવાસીઓ ગુમ!
નેપાળમાં ચીન સરહદ નજીક વહેતી ભોટેકોશી નદીમાં અચાનક આવેલ ભયાનક ઘોડાપૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. પૂરના આ પ્રચંડ પ્રવાહમાં અત્યાર સુધીમાં ૧૭થી વધુ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે સુરક્ષાકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ અને ગુમ થયા છે. પૂરની તીવ્રતા એટલી ભયાનક હતી કે બજાર વિસ્તાર, અનેક મકાનો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને પુલ ક્ષણવારમાં તણાઈ ગયા હતા. આ આફતમાં વિદેશી પ્રવાસીઓને પણ ભારે અસર પહોંચી છે. નેપાળ ટુરિઝમ બોર્ડના પ્રાથમિક આંકડા મુજબ આશરે ૩૮૪ જેટલા પ્રવાસીઓ ગુમ થયા છે, જેમાં ૧૦૫ ભારતીય નાગરિકો અને ૩૭ બિન-નિવાસી ભારતીયો સહિત ૨૯૧ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળેલા અનેક ભારતીયો અને અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાના પ્રવાસીઓનો સંપર્ક કપાઈ જતાં મોટી ચિંતા ઊભી થઈ છે..
નેપાળમાં ભોટેકોશી નદીનું રૌદ્ર સ્વરૂપ
પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક ગામડાં અને પુલ ધોવાયા
સેના અને રાહત બચાવ ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ભોટેકોશી અને ત્રિશુલી નદીમાં આવેલા પૂરે નેપાળના ઉત્તરીય જિલ્લાઓમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ચાઇના બોર્ડર નજીક આવેલો રસૂવા જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ઉપરાંત નુવાકોટ, ધાડિંગ, ચિતવન અને ગોરખા જેવા જિલ્લાઓમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ અને કોમ્યુનિકેશન લાઇનો ક્ષત-વિક્ષત થઈ જતાં અનેક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા છે. પૂર બાદ નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ૧૪ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે. ત્રિશુલીમાં ઇમરજન્સી મેડિકલ સેન્ટર શરૂ કરાયું છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરાઈ છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

