VIDEO: સગીરોના સોશિયલ મીડિયા પર લાગશે લગામ! 18 વર્ષથી ઓછી ઉંમર માટે કેન્દ્ર ઘડશે નિયમો
નવી દિલ્હી : 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈને કેન્દ્ર સરકાર કડક નિયમો બનાવવાની દિશામાં આગળ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની શક્યતા અંગે વિચારણા કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે પણ આ સૂચન સાથે સહમતિ દર્શાવી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે કેન્દ્રને કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તે માટે જરૂરી કાયદાકીય માળખું તૈયાર કરવા અંગે વિચારવામાં આવે. કોર્ટનું ધ્યાન ખાસ કરીને બાળકોની સુરક્ષા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી તરફ દોરાયું હતું.
કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની ભલામણ સાથે સહમતિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ ભારતીય કાયદાઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે નિયમો બનાવવાની દિશામાં પગલાં લઈ શકાય છે.
માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માગ
બાળકોના હિત માટે કામ કરતી એક સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતી વખતે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત એકાઉન્ટ બનાવનાર વ્યક્તિની ઉંમર અને ઓળખની ચકાસણી માટે KYC પ્રક્રિયા ફરજિયાત બનાવવાની પણ માગ કરાઈ છે.
અરજીમાં જણાવાયું છે કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 13 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે. બીજી તરફ, ભારતીય કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને સગીર માનવામાં આવે છે. આ કારણે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની વયમર્યાદા અને ભારતીય કાયદા વચ્ચેના તફાવતને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ભારતીય કાયદાનું પાલન કરવું પડશે
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એ અંગે પણ વિચારવા કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમના સોફ્ટવેર ભારતીય કાયદાઓનું પાલન કરે તે માટે જરૂરી નિયમો બનાવી શકાય કે નહીં. તેના જવાબમાં સોલિસિટર જનરલે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં લાગુ પડતા કાયદાઓનું પાલન કરવું જ પડશે.
આ મામલે હવે કેન્દ્ર સરકાર દ્વારા નિયમનાત્મક માળખું તૈયાર કરવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે. જો 18 વર્ષથી ઓછી વયના સગીરો માટે સોશિયલ મીડિયા ઉપયોગને લઈને નવા નિયમો અમલમાં આવે છે, તો એકાઉન્ટ બનાવવાની પ્રક્રિયા, માતા-પિતાની મંજૂરી અને વયચકાસણી સહિતની વ્યવસ્થામાં મોટા ફેરફારો થઈ શકે છે.

