હનુમાન મંદિરમાં રાત્રે વાગતા ભજનથી પરેશાન થયો અલ્લુ અર્જુનનો ભાઈ! સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી પોલીસમાં કરી ફરિયાદ

અલ્લુ અર્જુન (Allu Arjun)નો નાનો ભાઈ અલ્લુ સિરીશ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કથિત રીતે તેણે શેખપેટ સ્થિત પોતાના ઘર પાસે આવેલા મંદિરમાં મોડી રાત્રે મોટા અવાજે ભજન વાગવાને કારણે X (ટ્વિટર) એકાઉન્ટ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હૈદરાબાદ ઓથોરિટીઝ પાસે આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
અલ્લુ સિરીશને રાત્રે હનુમાન મંદિરમાં મોટા અવાજે વાગતા ભજનથી થઈ તકલીફ
અલ્લુ અર્જુનના નાના ભાઈ અને તેલુગુ એક્ટર અલ્લુ સિરીશ (Allu Sirish) એ X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી તે આ મોટા અવાજથી પરેશાન થઈ રહ્યો છે. તેણે પોતાના X એકાઉન્ટ પર હૈદરાબાદ પોલીસને ટેગ કરતા લખ્યું, "આદરણીય હૈદરાબાદ પોલીસ, હું શેખપેટના અપરણા વનનો નિવાસી છું. છેલ્લા કેટલાક દિવસોથી વિનોબા નગરના હનુમાન મંદિર (Hanuman Mandir)માં રાત્રે 2 થી 3 વાગ્યા સુધી નિર્ધારિત મર્યાદા કરતા પણ વધુ મોટા અવાજે મ્યુઝિક વાગી રહ્યું છે. મેં ફિલ્મ નગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે."
તેણે માત્ર હનુમાન મંદિરમાં મોડી રાત્રે વાગતા ભજનનો જ નહીં, પરંતુ ગણેશ ઉત્સવ દરમિયાન વાગતા મોટા અવાજના મ્યુઝિકનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે ત્યાં રહેતા લોકોને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 25 સપ્ટેમ્બર પછી તેમને ઘોંઘાટ નહીં સહન કરવો પડે. જોકે, તહેવાર પૂરો થઈ ગયા પછી પણ મુશ્કેલીઓ ઓછી ન થઈ. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે ઘણા સ્થાનિક રહીશો તેની પહેલાં આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ તેમના પર કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી.
હૈદરાબાદ પોલીસે અલ્લુ સિરીશની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા
અલ્લુ સિરીશની આ પોસ્ટ વાયરલ થયા બાદ હવે તેના પર હૈદરાબાદ પોલીસે પણ જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, "સર, આ બાબત ફિલ્મ નગર પોલીસ સ્ટેશનના ધ્યાન હેઠળ છે. આ મામલે જે પણ જરૂરી કાનૂની કાર્યવાહી હશે તે અમે કરીશું."
અલ્લુ સિરીશના વર્કફ્રન્ટની વાત કરીએ તો, વર્ષ 2024માં તેની ફિલ્મ 'બડી' (Buddy) સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક તેલુગુ ડ્રામા એક્શન એડવેન્ચર ફિલ્મ છે.

