RBI નોટ એક્સચેન્જ કૌભાંડ: ₹2000ની નોટો બદલવાનું રેકેટ પકડાયું, પૂર્વ કર્મચારી સહિત 4 ઝડપાયા

દેશભરમાં ખુબ મોટા પ્રમાણમાં કાળુ નાણું ફરતુ હોવાથી તેને કાબુમાં લેવાનું કારણ આપીને કેન્દ્ર સરકારે રૂપિયા બે હજારની ચલણી નોટને મે 2023માં ડીમોનીડાઇઝ્ડ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં છ મહિના સુધી બેંકોમાં બે હજારની નોટો બદલવામાં આવી હતી. ત્યારબાદ હજુ સુધી રિઝર્વ બેક ઓફ ઇન્ડિયામાં બે હજારની ચલણી નોટો બદલવામાં આવે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાનું કૌભાંડ
ત્યારે હજુ પણ કરોડો રૂપિયાની બે હજારની નોટો કાળુ ધન એકઠુ કરનારાઓ પાસે હોવાથી તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવાનું કૌભાંડ સુવ્યવસ્થિત ચાલી રહ્યું છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક પૂર્વ કર્મચારી સાથે મળીને કુલ ચાર શખ્સો કમિશન પર બેંક એકાઉન્ટ મેળવીને પ્રતિ બેંક એકાઉન્ટ નવ લાખ રૂપિયા જમા કરાવીને કાળા નાણાંને કાયદેસર કરી રહ્યા છે.
સરકારે રૂપિયા બે હજારના દરની ચલણી નોટોને ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત 19મી મે 2023માં કરી હતી. જેમાં 23મી મે 2023થી બે હજારની ચલણી નોટો બેંકમાં બદલવા માટે ચાર મહિનાનો સમય આપ્યો હતો. જેમાં અબજો રૂપિયાની ચલણી નોટો બેંકમાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમય મર્યાદા 7મી ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી. પરંતુ, ત્યારબાદ બે હજારની નોટ જમા કરાવવા માટે દેશભરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 19 પ્રાદેશિક બ્રાંચમાં જમા કરાવવાની સુવિદ્યા શરૂ કરવામાં આવી હતી. જે નાણાં જમા કરાવવાની સુવિદ્યા હજુ સુધી ચાલુ છે.
કેન્દ્ર સરકારે જ્યારે નાણાં જમા કરાવવા માટેની સમય મયાદા આપી તેની સાથે મોટા પ્રમાણમાં જમા થતી રકમ પર સર્વલન્સ રાખવામાં આવતું હતું. જેથી કાળા નાણાં રાખનારાઓએ તેમની પાસે રહેલી કરોડોની રકમ બેંકમાં જમા કરાવી નહોતી અને રિઝર્વ બેંકમાં નાણાં જમા કરવવા માટેનું સેટીંગ કર્યું હતું. જેમાં બે હજારની ચલણી નોટો જમા કરાવવા માટેનું સુવ્યવસ્થિત કૌભાંડ મોટાપાયે ચલાવવામાં આવી રહ્યું છે.

