VIDEO: ખડગેના લંચ બાદ રાજીવ શુક્લાનું મોટું એલાન, મોદી સરકારને આપી સીધી ચેતવણી!
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)નો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કનોટ પ્લેસ ખાતે આયોજિત લંચ મીટિંગમાં પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાજીવ શુક્લાએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા છે.
રાજીવ શુક્લાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ખડગેજીએ આજે તમામ સાંસદોને લંચ માટે બોલાવ્યા છે અને અમે બધા અહીં એકત્ર થયા છીએ. અમારો વિરોધ સતત ચાલુ રહેશે. જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ પ્રદર્શન અટકવાનું નથી."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ વિરોધ હવે માત્ર રાજકીય પક્ષો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે એક મોટું ‘જન આંદોલન’ (People's Movement) બની ચૂક્યો છે. આ આંદોલન આગામી દિવસોમાં એટલું વ્યાપક અને વિશાળ બનશે કે તે સરકારને હચમચાવી નાખશે."
દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સંસદ માર્ગ અને જંતર-મંતર ખાતે વિપક્ષી નેતાઓ રસ્તા પર ઉતરીને ચૂંટણી પંચ સામે મોરચો માંડી રહ્યા છે, ત્યારે રાજીવ શુક્લાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિપક્ષ આ મુદ્દે કોઈપણ સંજોગોમાં પીછેહઠ કરવાના મૂડમાં નથી.

