Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Modi is an illegal PM, dissolve Lok Sabha and all assemblies immediately!" Mallikarjun Kharge's statement sparked politics

VIDEO: "મોદી ગેરકાયદે PM છે, લોકસભા અને તમામ વિધાનસભાઓ તાત્કાલિક ભંગ કરો!" મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકારણ ગરમાયું

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે દેશની લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓ તાત્કાલિક ભંગ કરવાની માંગ કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે, દેશમાં થયેલી તમામ ચૂંટણીઓ ગેરકાયદેસર રીતે યોજાઈ છે અને તેના આધારે બનેલી સરકારો તથા મુખ્યમંત્રીઓ પણ ગેરકાયદેસર છે. ખડગેએ માગ કરી છે કે, તમામ ગૃહો ભંગ કરીને નવેસરથી ચૂંટણી યોજવામાં આવે અને તેમાં EVMને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે.

App Store

દેશમાં નવેસરથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી થવી જોઈએ : ખડગે

પત્રકારો સાથે વાતચીતમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ જણાવ્યું કે, 'આજે આખો દેશ ગેરકાયદે ચૂંટણીઓના આધારે ચાલી રહ્યો છે. મોદી એક ગેરકાયદે વડાપ્રધાન છે, શાહ એક ગેરકાયદે મંત્રી છે અને જ્યાં પણ મુખ્યમંત્રીઓ ચૂંટાયા છે, તે તમામ ગેરકાયદે છે. આ તમામને ભંગ કરી દેવા જોઈએ, નવી ચૂંટણીઓ યોજવી જોઈએ અને ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા કરાવવી જોઈએ.' તેમણે ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમના કથિત દુરુપયોગ અંગે પણ આકરા આક્ષેપો કર્યા હતા.

મતદાર યાદી સુધારણામાં ગરબડ અને વિરોધ પક્ષોનું વલણ

તેમણે ઘણા રાજ્યોમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા પર સવાલો ઉઠાવી કહ્યું કે, 'આ પ્રક્રિયામાં ભારે ગરબડો થઈ રહી છે અને સરકારની ભૂલોની સીધી અસર લોકશાહી પર પડી રહી છે. INDIA ગઠબંધનની બેઠકમાં 20 રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહમત થયા હતા કે SIR દેશ માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે. ગરીબો, શ્રમિકો અને લઘુમતીઓના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ રહ્યા છે. જો કોઈ બૂથ પરથી 500 મતદારોના નામ હટાવી દેવાય તો તેને નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે કહી શકાય?'

પૂર્વ વડાપ્રધાનોની કામગીરી અને લોકશાહી મૂલ્યો

દેશના પૂર્વ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, પી.વી. નરસિમ્હા રાવ અને રાજીવ ગાંધીના ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, 'દેશના જૂના નેતાઓએ ક્યારેય લોકશાહીમાં આવી મનમાની પ્રક્રિયા નથી કરી. હાલ જે રીતે સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી યુવાનો, ગરીબો અને દલિતોને સૌથી વધુ સહન કરવું પડે છે. ધનિક વ્યક્તિ પોતાનું કામ કરાવી લે છે, પરંતુ ગરીબ વ્યક્તિએ મતદાર યાદીમાં નામ સુધારવા વારંવાર સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડે છે.'

ચૂંટણી કમિશનરોની નિમણૂકના 2023ના કાયદા સામે વાંધો

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે 2023માં બનેલા નવા કાયદા પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે, 'પહેલાં ચૂંટણી કમિશનરોની પસંદગી સમિતિમાં દેશના મુખ્ય ન્યાયાધીશ, વિપક્ષના નેતા અને વડાપ્રધાન સામેલ હતા. નવા કાયદામાં મુખ્ય ન્યાયાધીશને હટાવીને તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મૂકી દેવાયા છે. કાયદાની કલમ 16 હેઠળ ચૂંટણી કમિશનરોને કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે ચૂંટણી સંસ્થાઓની સ્વાયત્તતા અને જવાબદેહી ખતમ થઈ રહી છે.'

લોકશાહી બચાવવા દેશવ્યાપી આંદોલનની જાહેરાત

દેશના ભવિષ્ય અંગે ચેતવણી આપતાં તેમણે ઉમેર્યું કે, 'હવે દેશે પોતે નક્કી કરવું પડશે કે લોકશાહી બચાવવી છે કે તેને ખતમ થવા દેવી છે. આ અન્યાય સામે દિલ્હીમાં વિરોધ શરૂ થઈ ગયો છે અને 6 ઓક્ટોબરે વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ સુધી કૂચ કરશે. જનતાને જાગૃત કરવા માટે દર ત્રણ-ચાર દિવસે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે.'