VIDEO: "મોદી સરકાર પૈસા આપે છે અને આ લોકો ક્રેડિટ લેવા પડાપડી કરે છે!" મંડીમાં કંગનાનો કૉંગ્રેસ પર સીધો વાર
હિમાચલ પ્રદેશના મંડી ખાતે યોજાયેલી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA)ની મહત્વની બેઠક બાદ સ્થાનિક ભાજપ સાંસદ કંગના રનૌતે વિરોધ પક્ષ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો પર વિકાસકામોની માત્ર ક્રેડિટ લેવાનો અને વાસ્તવિક કામગીરી વખતે ગેરહાજર રહેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
કેન્દ્ર અને ભાજપ સરકારના કામોનો ઉલ્લેખ
બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કંગના રનૌતે જણાવ્યું હતું કે, "વાત ભુભુ જોત ટનલની હોય કે પછી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંડી સંસદીય ક્ષેત્રને મળેલા હજારો કરોડ રૂપિયાના ભંડોળની હોય, અમારી સરકારે મંડી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પાયાનું કામ કર્યું છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ હંમેશા મંડીના હિત માટે કટિબદ્ધ રહ્યા છે.
કૉંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરી પર સવાલ
કૉંગ્રેસની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતાં સાંસદે ઉમેર્યું કે, "કૉંગ્રેસનો મુખ્ય રસ માત્ર અને માત્ર વાહવાહી લૂંટવામાં અને ક્રેડિટ લેવામાં જ રહ્યો છે. વિકાસનું કોઈ પણ કામ થાય—પછી તે કેન્દ્ર સરકારનું હોય કે અમારી પોતાની પહેલથી થયેલું હોય—કૉંગ્રેસના લોકો તેનો શ્રેય લેવા સૌથી આગળ દોડી આવે છે. પરંતુ જ્યારે પોતાના કામ અને જવાબદારીની વાત આવે છે, ત્યારે આજે આટલી મહત્વની બેઠકમાં કૉંગ્રેસના એક પણ ધારાસભ્ય હાજર પણ ન રહ્યા."

