VIDEO: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની કેમ્પ ઓફિસ પર દરોડા, ચંદીગઢમાં CBI ની મોટી કાર્યવાહી
ચંદીગઢમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી (OSD) રાજબીર ઘુમન સાથે સંકળાયેલા એક મામલામાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે. આ રેડ ચંદીગઢના સેક્ટર-2 સ્થિત મકાન નંબર 50 પર કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર, આ જ સ્થળે મુખ્યમંત્રીનું કેમ્પ કાર્યાલય પણ કાર્યરત છે.
દરોડા દરમિયાન શું મળ્યું તે અંગે રહસ્ય
પ્રાપ્ત વિગતો મુજબ, સીબીઆઈની વિશેષ ટીમ અચાનક સ્થળ પર પહોંચી હતી અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજો કે અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. એજન્સી તરફથી આ કાર્યવાહીને લઈને સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માને લગાવ્યા ગંભીર આક્ષેપો
કેમ્પ ઓફિસ પર દરોડાની માહિતી મળતાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પુષ્ટિ કરી હતી કે તેમની કેમ્પ ઓફિસમાં સીબીઆઈના દરોડા પડ્યા છે.
ભગવંત માને ગંભીર આરોપ લગાવતા લખ્યું કે, પંજાબ સરકાર અને તેમની છબિને ખરડવા તેમજ બદનામ કરવાના હેતુથી રાજ્યમાં ઇડી (ED) અને સીબીઆઈ (CBI) જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવી કાર્યવાહીઓ દ્વારા પંજાબ સરકારને રાજકીય રીતે નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટના બાદ પંજાબ અને ચંદીગઢના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે.

