VIDEO: લોકસભામાં રાહુલ ગાંધીએ 'ઈડિયટ' અને 'અંધભક્તો' શબ્દ કહેતાં મચી બબાલ, કિરેન રિજ્જુએ કર્યો વિરોધ
સંસદના ચોમાસુ સત્રનો આજે મહત્વનો દિવસ છે. લોકસભામાં મંગળવારે 'એન્ટી પેપર લીક બિલ' પર ચર્ચા શરૂ થઈ હતી, જે આજે પણ ચાલુ રહેશે. બીજી તરફ રાજ્યસભામાં દિલ્હી સ્થિત CPM કાર્યાલય પર પોલીસ દરોડાનો મુદ્દો ગાજ્યો છે. વિપક્ષના ભારે હંગામાને કારણે બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી.
લોકસભાના વિરોધ પક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ તાજેતરમાં એક વિદ્યાર્થી સાથે થયેલી પોતાની રસપ્રદ વાતચીતને યાદ કરી હતી. આ વાતચીતમાં સત્ય અને બનાવટી 'ઈમેજ' (છબી) વચ્ચેનો તફાવત ખૂબ જ સચોટ અને ઊંડાણપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો.
સત્ય અને બનાવટી છબી વચ્ચેનો તફાવત
કોઈ ઘટના કે વાતચીતનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "એક વિદ્યાર્થીનીએ મને કહ્યું હતું કે, જે વિદ્યાર્થી સાચો હોય છે તે સત્યને પોતાના છાતી પર ગર્વથી ધારણ કરે છે. મેં તેને પૂછ્યું કે, તો પછી બીજી શૈલી કે 'બીજા પ્રકારના' લોકો વિશે શું? ત્યારે તેણે બહુ સરસ જવાબ આપ્યો કે — બીજા પ્રકારના લોકોને પોતાની વાત કે ઓળખ સાબિત કરવા માટે એક ઈમેજ (બનાવટી છબી) ઊભી કરવાની જરૂર પડે છે. અને કારણ કે તે ઈમેજ પોતે જ સત્ય નથી હોતી..."
રાહુલ ગાંધીએ પરીક્ષાનું પેપર તૈયાર કરવાથી લઈને તેને પહોંચાડવા અને ચેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. રાજનાથ સિંહે અગાઉ કહ્યું હતું કે, આ UPA સરકાર નથી અને અહીં મંત્રીઓ રાજીનામા નથી આપતા, છતાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે અને તે જ પરીક્ષાઓ યોજી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો જમાવી લીધો છે અને વાસ્તવમાં ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે ગૃહમંત્રીને ગાડીઓના કાફલામાં જોયા હતા, પણ તેઓ ક્યાં છે? તેમનામાં ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી.’ આ વાત પર સ્પીકરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી અહીં હાજર જ છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી થઈ રહી અને જે વિષય પર ચર્ચા હોય તેના જ મંત્રી ગૃહમાં બેસે તેવી સંસદીય પરંપરા છે.
ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. તેમના આ નિવેદનને કારણે લોકસભામાં ભારે અફડાતફડી અને હંગામો મચી ગયો હતો.
સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અત્યંત અયોગ્ય વાત કહી છે અને આવું નિવેદન આપી શકાય નહીં. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી? ગૃહમાં શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી ઊઠી હતી, જ્યારે સામે પક્ષે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.
જો માત્ર ભાજપને જ બોલવા દેવું હોય તો હું બેસી જાઉં છું : લોકસભામાં રાહુલ ગાંધીનો કટાક્ષ
લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાનું ચાલુ રાખવા કહ્યું અને પૂછ્યું કે જો તેઓ બોલવા ન માગતા હોય તો બીજા વક્તાને બોલાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ ગૃહમાં આવા પ્રસંગો જોયા છે જ્યારે તમે નેતા સદનને બોલવા દીધા નહોતા.
આ અંગે કિરન રિજિજૂએ કહ્યું કે સારી ચર્ચા ચાલી રહી છે, તમે આવી પરિસ્થિતિ ઊભી ન કરો. વડાપ્રધાનને કેટલીય વાર બોલવા દેવાયા નહોતા. આજે તમે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. માત્ર તમારા શબ્દ સામે વાંધો છે, તમે ભાવુક ચહેરો બતાવીને ગુમરાહ કરી શકો નહીં.
આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ શબ્દનો પ્રયોગ કોઈના માટે નથી કર્યો, માત્ર જે છે તેની કેટેગરી બતાવી છે. જો તમે લોકો ઇચ્છતા હોવ કે અહીં માત્ર ભાજપ જ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું, કોઈ વાંધો નથી. હું જ્યારે પણ બોલું છું ત્યારે રિજિજૂજી ઊભા થઈ જાય છે અને તમે તેમને તક આપી રહ્યા છો.
સ્પીકરે આ બાબતે કહ્યું કે ગૃહમાં સારી વ્યવસ્થાઓ અને મર્યાદાઓ રહી છે. આપણે સારી મર્યાદા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમાં જે મર્યાદા અને તર્ક સાથે બોલે છે, દેશ તેને સાંભળે છે અને સન્માન પણ કરે છે. શબ્દોની પસંદગી સંસદીય મર્યાદાને અનુકૂળ હોવી જોઈએ.

