Video: ‘રાહુલ ગાંધીનું ષડયંત્ર કોંગ્રેસને જ ડુબાડશે’: ચૂંટણી પંચને બદનામ કરનારા વિપક્ષ પર ભાજપની લાલ આંખ

સોર્સ: gstv

મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ સામે ભાજપના વરિષ્ઠ નેતા જીવીએલ નરસિમ્હા રાવે જોરદાર વળતો પ્રહાર કર્યો છે. કેરળના કોચી ખાતે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે SIR પ્રક્રિયા અંગે ખોટો ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી અને વિપક્ષ પર વિદેશી ભંડોળ મેળવીને દેશમાં અરાજકતા ફેલાવવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.

જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું કે, "મતદાર નોંધણી એ દેશમાં એક સતત ચાલતી પ્રક્રિયા છે. SIR માત્ર મતદાર યાદીને શુદ્ધ અને ભૂલરહિત કરવા માટે હાથ ધરાયેલી એક વિશેષ કવાયત છે. અગાઉ દર 6-7 વર્ષે આ પ્રક્રિયા થતી હતી, પરંતુ છેલ્લું SIR 22 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં થયું હતું. આ જ કારણ છે કે આ વખતે યાદીમાંથી કમી થયેલા નામોની સંખ્યા વધુ જોવા મળી રહી છે."

જાહેરાત

કેરળનું ઉદાહરણ આપીને પ્રક્રિયા સમજાવી

તેમણે સમજાવતાં કહ્યું કે, ડ્રાફ્ટ યાદીમાંથી નામ હટ્યા પછી પણ મતદારો પાસે પુનઃ નોંધણીની પૂરતી તક હોય છે. "કેરળમાં ડ્રાફ્ટ યાદીમાંથી 28 લાખ લોકોના નામ બાકાત થયા હતા, પરંતુ અંતિમ મતદાર યાદીમાં માત્ર 8.5 લાખ નામો જ રદ રહ્યા. તેનો અર્થ એ કે આશરે 20 લાખ લોકોએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી યાદીમાં સ્થાન મેળવ્યું છે. જેમણે ઇન્યુમરેશન ફોર્મ કે જરૂરી પુરાવા જમા નથી કરાવ્યા તેઓ હજુ પણ નિયમો મુજબ પોતાનું નામ ઉમેરાવી શકે છે."

વિદેશી ફંડિંગ અને અરાજકતા પર સવાલ

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે ઉમેર્યું કે, "રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષ જે પ્રકારની અરાજકતા ફેલાવી રહ્યો છે, તેના પાછળ એવા સંકેતો મળ્યા છે કે વિદેશી સ્ત્રોતો દ્વારા ભારતમાં અશાંતિ ઊભી કરવા ચોક્કસ જૂથોને ફંડિંગ આપવામાં આવી રહ્યું છે. દેશની બંધારણીય સંસ્થાઓ સામે આ પ્રકારનો દુષ્પ્રચાર જનતા સ્વીકારશે નહીં. આ રાજકારણ કોંગ્રેસ પર જ ભારે પડશે અને જનતા તેમના જુઠ્ઠાણાને ફગાવીને તેમને આકરી સજા કરશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત