વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાનો હિસાબ: વર્ષ 2025 માં 23 દેશોના પ્રવાસ પાછળ 187 કરોડનો ખર્ચ

PM Modi News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, જાપાન સહિત 23 દેશોની મુલાકાત કરી હતી. આ મુલાકાતો પાછળ 2025માં 187 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. કેન્દ્ર સરકારે જ વડાપ્રધાન મોદીની વિદેશયાત્રાની વિગતો જાહેર કરી હતી ને સાથે સાથે 2011 થી 2013 સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અમુક વિદેશયાત્રાનો ડેટા પણ આપ્યો હતો. કેન્દ્ર સરકારે 2021 થી 2025 સુધીમાં થયેલી મોદીની વિદેશયાત્રાની જાણકારી શેર કરી હતી.
રાજ્યસભામાં લેખિત સવાલના જવાબમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 દેશોની યાત્રા કરી હતી. જેમાં અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, ચીન ઉપરાંત શ્રીલંકા, થાઈલેન્ડ, મોરેસિયસ, જોર્ડન, ઓમાન જેવા દેશોનો સમાવેશ થતો હતો. ફ્રાન્સની યાત્રા પાછળ સૌથી વધુ 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. મોદીની અમેરિકા યાત્રા ભારત સરકારને 1654 કરોડ રૂપિયામાં પડી હતી. તો સાઉદીની યાત્રાનો ખર્ચ 15 કરોડ થયો હતો. ચીનની મુલાકાત પાછળ 10 કરોડ અને બ્રિટનની મુલાકાતમાં 9 કરોડનો ખર્ચ થયો હતો.
2021 થી 2025 સુધીમાં વડાપ્રધાન મોદીની વિદેશયાત્રાઓ પાછળ કુલ ૨૯૫ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. 2021માં 36 કરોડ, 2022માં 55 કરોડ, 2023માં 93 કરોડ, 2024માં 109 કરોડ રૂપિયાનો ખર્ચ મોદીની વિદેશયાત્રા પાછળ થયો હતો. 2024માં મોદીએ રશિયા, યુક્રેન સહિત 16દેશોની યાત્રા કરી હતી.
કેન્દ્ર સરકારે આ ડેટાની સાથે 2011માં મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે અમેરિકાની એક મુલાકાત પાછળ 10 કરોડ, રશિયાની એક મુલાકાત પાછળ 2013 માં 9.95 કરોડ, એ જ વર્ષે જર્મનીના પ્રવાસ માટે 6 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
કેન્દ્ર સરકારના ડેટામાં વિદેશી રોકાણનો આંકડો પણ આપવામાં આવ્યો હતો. એપ્રિલ-2021થી ડિસેમ્બર-2025 સુધીમાં વિદેશ જઈને પીએમ મોદીએ જે એમઓયુ સાઈન કર્યા તેના કારણે સરકારના કહેવા પ્રમાણે 381 અબજ ડોલરનું વિદેશી રોકાણ ભારતમાં આવ્યું છે. ૨૦૨૧થી અત્યાર સુધીમાં મોદીએ 316 એમઓયુ સાઈન કર્યા છે.

