શિવાજીની પ્રતિમા તૂટવા મામલે પોલીસની મોટી કાર્યવાહી, અડધી રાત્રે સ્ટ્રક્ચરલ એન્જિનિયર ચેતન પાટીલની કરી ધરપકડ
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આઠ મહિના પહેલા મહારાષ્ટ્રના સિં

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આઠ મહિના પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં અનાવરણ કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની કાંસ્ય પ્રતિમા તાજેતરમાં તૂટી પડી હતી. આ ઘટના બાદ શિલ્પકાર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર ચેતન પાટીલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર ચેતન પાટીલની ધરપકડ કરવામાં આવી છે. જયદીપ આપ્ટે કલ્યાણનો રહેવાસી છે અને હાલ તે ફરાર છે. તેના ઘરને તાળું લાગેલું છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જયદીપ આપ્ટે ક્યાં છે?
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવાના કેસમાં શુક્રવારે પહેલી ધરપકડ કરવામાં આવી હતી. સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી છે. કોલ્હાપુર ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે સિંધુદુર્ગ કેસમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલની ધરપકડ કરી હતી. પાટીલની માલવાન પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશન હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોલ્હાપુર પોલીસે આરોપીને માલવાન પોલીસને સોંપી દીધો.
જણાવી દઈએ કે, સિંધુદુર્ગ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. શિલ્પકાર અને સલાહકાર સામે કલમ 109 (હત્યાનો પ્રયાસ), 110 (ગુનેગાર હત્યાનો પ્રયાસ), 125 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવો), 318 (છેતરપિંડી અને બનાવટી) અને ભારતીય ન્યાય સંહિતા (5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984ની કલમ 3 હેઠળ પણ આરોપો લગાવવામાં આવ્યા છે.






