Video: સુંદરતાના નામે ઝેર! કેરળમાં નકલી કોસ્મેટિક્સનો પર્દાફાશ

સૌંદર્ય નિખારવાના નામે બજારમાં વેચાતી કોસ્મેટિક્સની વસ્તુઓ જ હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ બની રહી છે. સુદર દેખાવાની ઈચ્છા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. કેરળમાં નકલી સૌંદર્ય પ્રસાધનોના વેચાણ સામે ડ્રગ્સ કંટ્રોલ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ઓપરેશન સૌંદર્યા હેઠળ કેરળમાં દુકાનો, જથ્થાબંધ વેપારીઓ અને કોસ્મેટિક્સના વેચાણ કેન્દ્રો પર તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન કન્નુરમાં ડ્રગ્સ કંટ્રોલ ઇન્ટેલિજન્સની ટીમે અંદાજે 65 હજાર રૂપિયાની કિંમતની નકલી લિપસ્ટિક અને લિપબામનો જથ્થો જપ્ત કર્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે આ ઉત્પાદનોના પેકેટ પર ઉત્પાદક કંપનીનું નામ અને કાયદા મુજબ જરૂરી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.એટલું જ નહીં, આ ઉત્પાદનોનું પેકેજિંગ ખાસ કરીને બાળકોને આકર્ષે તે રીતે કરવામાં આવ્યું હતું.. જપ્ત કરાયેલા ઉત્પાદનોના નમૂના હવે રાસાયણિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેથી તેમાં કોઈ હાનિકારક રસાયણોનો ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ થઈ શકે.
મહત્ત્વની વાત એ છે કે કેરળમાં આ કાર્યવાહી માત્ર નકલી લિપસ્ટિક અને લિપબામ પૂરતી મર્યાદિત નથી.. આ સમગ્ર અભિયાન પાછળ એક સગીર યુવતીના સ્વાસ્થ્યને થયેલું ગંભીર નુકસાન પણ કારણભૂત બન્યું છે. મલપ્પુરમમાં 17 વર્ષની એક યુવતીને એફ ટ્યુન નામની ફેસ ક્રીમના ઉપયોગ બાદ કિડની સંબંધિત ગંભીર બીમારી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો.. આ ક્રીમમાં પારો એટલે કે મર્ક્યુરી જેવા હાનિકારક તત્ત્વોની હાજરી હોવાની આશંકા વચ્ચે તપાસ શરૂ કરવામાં આવી છે.. જોકે ક્રીમના ઉત્પાદક સુધી પહોંચવામાં હજુ તપાસ એજન્સીઓને સફળતા મળી નથી. બીજી તરફ રાજ્યભરમાં ચાલી રહેલી કાર્યવાહીમાં અંદાજે બે લાખ રૂપિયાની નકલી સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.. જેમાં ગેરકાયદેસર રીતે વેચાતી ફેસ ક્રીમ અને અન્ય કોસ્મેટિક્સનો પણ સમાવેશ થાય છે.. સોશિયલ મીડિયા મારફતે આવા ઉત્પાદનોનો પ્રચાર કરનારા ઇન્ફ્લુએન્સર્સ પણ તપાસના ઘેરામાં આવી શકે છે.. હવે ડ્રગ્સ કંટ્રોલ વિભાગનું ધ્યાન આવા ઉત્પાદનોના સપ્લાય નેટવર્ક અને વેચાણકર્તાઓ સુધી પહોંચવા પર છે.. ત્યારે સવાલ એ છે કે સુંદર દેખાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા નકલી કોસ્મેટિક્સના વેપાર પર ક્યારે સંપૂર્ણ રોક લાગશે.







