Video: કોમેડીના નામે અશ્લીલતા પર ભડક્યો આક્રોશ: છઠ પૂજા અને સિંદૂર પર અભદ્ર ટિપ્પણી કરનાર કોમેડિયન યશ મહેશ્વરી સામે FIRની માંગ

સોર્સ: gstv

સ્ટેન્ડ-અપ કોમેડીના નામે ધાર્મિક ભાવનાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓની મજાક ઉડાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કોમેડિયન યશ મહેશ્વરી છઠ પૂજા દરમિયાન બિહારની મહિલાઓ દ્વારા લગાવવામાં આવતા સિંદૂર પર અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણી કરીને મોટા વિવાદમાં સપડાયા છે. 

સમગ્ર વિવાદની શરૂઆત કોમેડિયન યશ મહેશ્વરીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક સ્ટેન્ડ-અપ કોમેડી વીડિયોથી થઈ હતી. મોરલી ક્વેશ્ચનેબલ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં તેણે દિલ્હી એનસીઆરમાં શો કરતા હોવાનો અને વીડિયો માત્ર મનોરંજન માટે હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે યશે છઠ પૂજા દરમિયાન બિહારની પરિણીત મહિલાઓ દ્વારા કરવામાં આવતી પરંપરા પર વિવાદાસ્પદ મજાક કરી હતી. પતિના લાંબા આયુષ્ય માટે કરાતી આ ધાર્મિક વિધિની મજાક ઉડાવી હતી. બિહારની સંસ્કૃતિ અને મહિલાઓ માટે અત્યંત પવિત્ર ગણાતી આ પરંપરા પરની ટિપ્પણીથી લોકોની લાગણી દુભાઈ છે.

જાહેરાત

વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર યશ મહેશ્વરી વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. વધતા જતા વિરોધ વચ્ચે ભાજપના સભ્ય અને કાર્યકર રીતુ જયસ્વાલે સોશિયલ મીડિયા પર કોમેડિયન વિરુદ્ધ બિહારના દરેક જિલ્લામાં ગુનો નોંધવાની માંગ કરી છે. તેમણે આકરા શબ્દોમાં લખ્યું કે છઠ જેવા મહાન તહેવાર અને વ્રત રાખનારાઓ વિશે અશ્લીલ મજાક કરનાર સામે કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. રીતુ જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે છઠ સાથે જોડાયેલી આસ્થા અને ઓળખ સાથે ચેડાં જરાય સહન કરવામાં નહીં આવે. આ ઉપરાંત અન્ય યુઝર્સે પણ બિહાર પોલીસને આ મામલે તાત્કાલિક નોંધ લઈને યશ મહેશ્વરીની ધરપકડ કરવાની માંગણી કરી છે.

હાલ તો સ્ટેન્ડ-અપ કોમેડીના નામે બિહારની મહિલાઓ અને પવિત્ર છઠ પર્વનું અપમાન કરનાર યશ મહેશ્વરી સામે સોશિયલ મીડિયા પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. આસ્થા અને સંસ્કૃતિ પર થયેલા આ પ્રહાર બાદ હવે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ મામલે કેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત