Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Outrage in Uttar Pradesh over Khamenei's death, Shia community raises slogans against America-Israel

ખામેનીના મોત પર ઉત્તર પ્રદેશમાં આક્રોશ, શિયા સમુદાયે અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ખામેનીના મોત પર ઉત્તર પ્રદેશમાં આક્રોશ, શિયા સમુદાયે અમેરિકા-ઇઝરાયલ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
સોર્સ : GSTV

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈના અમેરિકી અને ઇઝરાયલી હુમલામાં મોતના સમાચારથી ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. રવિવારે જિલ્લાના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં શિયા સમુદાયના પુરુષો, મહિલાઓ અને બાળકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાથમાં ખામેનીના પોસ્ટર અને કાળા ઝંડા લઈને પ્રદર્શનકારીઓએ અમેરિકા અને ઇઝરાયેલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

App Store

જૌનપુરના કલ્લૂ ઇમામબાળા પર હજારોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓના રોષે આખા વાતાવરણને ગમગીન અને ઉત્તેજિત કરી દીધું હતું. ભીડમાંથી એક જ અવાજ ગુંજી રહ્યો હતો- “તમે એક હુસૈની મારશો, દરેક ઘરમાંથી એક નવો હુસૈની નીકળશે”. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે શહાદતથી આ આંદોલન ખતમ નહીં થાય, પરંતુ વધુ મજબૂત બનીને ઉભરશે.

ધર્મગુરુ કલ્બે જવાદનો તીખો પ્રહાર

પ્રખ્યાત શિયા ધર્મગુરુ મૌલાના સૈયદ કલ્બે જવાદે આ હુમલાને ‘કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું- “આયાતુલ્લા ખામેની હંમેશા શહાદતની દુઆ કરતા હતા અને તેઓ યુદ્ધ લડતા લડતા શહીદ થયા છે. અમારા ધર્મમાં શહાદત એ સૌથી મોટો દરજ્જો છે. ખામનેઈનું લોહી વ્યર્થ નહીં જાય. શહીદના લોહીના ટીપામાંથી એવો ઇન્કલાબ (ક્રાંતિ) પેદા થાય છે જેમાં અત્યાચારીઓ ડૂબી જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુએ ખામનેઈને શહીદ નથી કર્યા, પરંતુ પોતાના જ ‘ડેથ વોરંટ’ પર સહી કરી દીધી છે. તેમનો અંત અત્યંત ખરાબ હશે.”

3 દિવસનો શોક અને બજાર બંધ રાખવાની અપીલ

મૌલાના કલ્બે જવાદે દેશભરના શિયા સમુદાયને ત્રણ દિવસનો શોક મનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે અપીલ કરી છે કે લોકો સ્વેચ્છાએ પોતાની દુકાનો અને વ્યવસાય બંધ રાખે. આખા દેશમાં એક જ સમયે શોક સભાઓ અને કેન્ડલ માર્ચ કાઢવામાં આવે અને ઘરો પર કાળા ઝંડા લગાવી વિરોધ નોંધાવવામાં આવે.

તંત્ર એલર્ટ, સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત

જૌનપુરમાં વધતા જનઆક્રોશને જોતા પોલીસ અને પ્રશાસન સંપૂર્ણ રીતે એલર્ટ પર છે. કલ્લૂ ઇમામબાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. શાંતિ જળવાઈ રહે તે માટે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.