ફરજિયાત નિવૃત્તિનો આદેશ ન તો સજારૂપ કે ન તો કલંકિત કરનારોઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે આવી નિવૃત્તિ ન તો સજારૂપ છે અને ન તો કર્મચારીના ચારિત્ર્ય પર કલંક લગાવનારી કાર્યવાહી છે. ફરજિયાત નિવૃત્તિનો અર્થ કર્મચારીએ કોઈ ગેરવર્તન (Misconduct) કર્યું છે તેવો નિષ્કર્ષ પણ થતો નથી. જોકે, આ નિર્ણય સંબંધિત દસ્તાવેજો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સક્ષમ સત્તાધિકારી દ્વારા લેવામાં આવ્યો હોવો જોઈએ. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેન્ચે છત્તીસગઢ સરકારના 2017ના સરકારી પરિપત્ર હેઠળ 14માંથી પાંચ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના નિર્ણયને માન્ય રાખતાં આ ટિપ્પણી કરી હતી.
જાહેર હિત અને વહીવટી કાર્યક્ષમતા મહત્ત્વપૂર્ણ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કર્મચારીને સેવામાં ચાલુ રાખવો જાહેર હિત (Public Interest) માટે યોગ્ય નથી એવું સક્ષમ અધિકારીને લાગતું હોય ત્યારે ફરજિયાત નિવૃત્તિનો નિર્ણય લઈ શકાય છે. સરકારને અધિકારીની કાર્યક્ષમતા, પ્રામાણિકતા અને વહીવટી ઉપયોગિતાનું મૂલ્યાંકન કરવાનો અધિકાર છે. કોઈ અધિકારી હવે વહીવટ માટે ઉપયોગી રહ્યો નથી અથવા તેની કામગીરીથી વહીવટી કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે કે નહીં, તેનું મૂલ્યાંકન સરકાર કરી શકે છે. જોકે, આવો નિર્ણય માત્ર અનુમાન, મનસ્વી વિચાર કે અંગત પસંદગીના આધારે લઈ શકાય નહીં. તેના માટે નક્કર અને સંબંધિત પુરાવા (Objective and Relevant Material) હોવા જરૂરી છે.
સમાન કર્મચારીને નોકરીમાં રાખવાથી ભેદભાવ સાબિત થતો નથી
કર્મચારીઓએ દલીલ કરી હતી કે સમાન પરિસ્થિતિ ધરાવતા અન્ય કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા નથી, તેથી તેમની સામેની કાર્યવાહી ભેદભાવપૂર્ણ છે. જોકે, કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. બેન્ચે જણાવ્યું હતું કે દરેક કર્મચારીની ઉપયોગિતા, પ્રામાણિકતા, કાર્યક્ષમતા અને સમગ્ર સર્વિસ રેકોર્ડનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે. એક કર્મચારીને નિવૃત્ત કરવામાં આવે અને બીજા કર્મચારીને સેવામાં ચાલુ રાખવામાં આવે એટલા માત્રથી નિર્ણય ગેરબંધારણીય કે ભેદભાવપૂર્ણ બની જતો નથી. બંધારણની કલમ 14નો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે સમાનતાના અધિકાર હેઠળ કોઈ વ્યક્તિને મળેલી ગેરકાયદેસર છૂટનો લાભ અન્ય વ્યક્તિ પણ માગી શકે નહીં.
કોર્ટની દખલગીરી મર્યાદિત રહેશે
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફરજિયાત નિવૃત્તિના નિર્ણયમાં ન્યાયિક સમીક્ષા (Judicial Review)ની મર્યાદા હોય છે. કોર્ટ એ તપાસી શકે છે કે નિર્ણય માટે સંબંધિત સામગ્રી ઉપલબ્ધ હતી કે નહીં અને સક્ષમ અધિકારીએ તેનો યોગ્ય વિચાર કર્યો હતો કે નહીં. પરંતુ કોર્ટ વહીવટી નિર્ણયને અપીલની જેમ ફરીથી તપાસીને પોતાનો અભિપ્રાય લાદી શકે નહીં. વાર્ષિક ગોપનીય અહેવાલ (Annual Confidential Reports), પ્રામાણિકતાનું મૂલ્યાંકન, કામગીરી અને સર્વિસ રેકોર્ડ જેવા દસ્તાવેજોના આધારે નિર્ણય લેવાઈ શકે છે. પુરાવાના અભાવ, મનસ્વી નિર્ણય, વિચાર કર્યા વિના લેવાયેલા પગલાં અથવા દુર્ભાવનાના કિસ્સામાં જ કોર્ટ દખલ કરી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે છત્તીસગઢ સરકારની સ્ક્રીનિંગ કમિટીએ તમામ પાત્ર કર્મચારીઓનું મૂલ્યાંકન કર્યા બાદ પાંચ કર્મચારીઓના રેકોર્ડ નિર્ધારિત માપદંડ કરતાં નબળા હોવાનું નોંધ્યું હતું. જ્યારે બાકીના નવ કર્મચારીઓને સેવામાં ચાલુ રાખવા યોગ્ય ગણવામાં આવ્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટે 12 એપ્રિલ, 2023ના છત્તીસગઢ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો અને રાજ્ય સરકારની કાર્યવાહી માન્ય ઠરાવી હતી.




