નેપાળનું મોટું રાજદ્વારી પગલું: પૂરથી થયેલા વિનાશ માટે ભારત સહિત 3 દેશો પાસેથી ક્લાઈમેટ વળતરનો દાવો ઠોક્યો!

નેપાળે તાજેતરમાં અચાનક આવેલા પૂરથી થયેલી તબાહી માટે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરતા દેશો પાસેથી ક્લાઈમેટ ચેન્જ સંબંધિત વળતર મેળવવા માટે રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા છે. નેપાળનું કહેવું છે કે આપત્તિ પછી આપવામાં આવતી સહાયને નૈતિક જવાબદારી ગણવી જોઈએ, દાન નહીં. વિદેશ મંત્રી શિશિર ખનાલે (Shishir Khanal) જણાવ્યું હતું કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ નહિવત હિસ્સો હોવા છતાં, નેપાળ ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો ભોગવી રહ્યું છે, જેમાં ઝડપથી પીગળતા ગ્લેશિયર્સ અને પહાડોમાં સર્જાતી ભયંકર આપત્તિઓનો પણ સમાવેશ થાય છે.
કાનૂની અને નૈતિક જવાબદારીનો મામલો: નેપાળ
એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'અમે એવી વૈશ્વિક કટોકટીની ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ જે અમે પોતે ઊભી કરી નથી. ગ્લેશિયર્સનું ઝડપથી પીગળવું અને પહાડોમાં આવતી આ વિનાશક આફતો વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જનું સીધું પરિણામ છે.' કાઠમંડુ પોસ્ટ અખબારમાં તેમના ઈન્ટરવ્યુનો કેટલાક અંશ પ્રકાશિત થયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નેપાળ પોતાના રાજદ્વારી અભિગમને સહાયથી બદલીને હવે ન્યાય અને વળતર તરફ લઈ જઈ રહ્યું છે. આ કોઈ દાન-પુણ્યનો વિષય નથી, પરંતુ કાનૂની અને નૈતિક જવાબદારીનો મામલો છે.
આંતરરાષ્ટ્રીય મંચો પર ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો ઉઠાવશે નેપાળ
વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે નેપાળ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો અત્યંત મક્કમતા અને સ્પષ્ટતા સાથે ઉઠાવશે તથા ક્લાઈમેટ ચેન્જથી પ્રભાવિત દેશોને થયેલા નુકસાન માટે સૌથી વધુ ઉત્સર્જન કરતા દેશો પાસેથી વળતરની માંગણી કરશે. તેમણે ઉમેર્યું કે, 'આ સમગ્ર સભ્યતાના અસ્તિત્વનો સવાલ છે. જો હિમાલયના ગ્લેશિયર્સ ખતમ થઈ જશે તો ગંગા અને ત્રિશૂલી જેવી નદીઓ પર નિર્ભર દક્ષિણ એશિયાના 2 અબજથી વધુ લોકોની જળ સુરક્ષા કાયમ માટે જોખમમાં મુકાઈ જશે. અમે માત્ર નેપાળ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશાઈ સભ્યતાના રક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છીએ.'
ચીન, અમેરિકા અને ભારત પાસેથી વળતરની અપેક્ષા
તેમણે આગળ જણાવ્યું કે નેપાળના નાણા મંત્રાલયે સત્તાવાર રીતે તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને ક્લાઈમેટ વળતરના દાવા અંગે પત્ર મોકલી આપ્યો છે. મંત્રીએ ચીન, અમેરિકા અને ભારતને દુનિયાના સૌથી મોટા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક દેશોમાં સામેલ 3 દેશો તરીકે દર્શાવ્યા હતા અને કહ્યું કે નેપાળ જેવા સંવેદનશીલ દેશોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની તેમની ઐતિહાસિક જવાબદારી બને છે.
'લોસ એન્ડ ડેમેજ' ફંડ પાસેથી તાત્કાલિક આર્થિક સહાયની માંગ
‘ધ કાઠમંડુ પોસ્ટ’ અનુસાર, 26 ઓગસ્ટે ભોટેકોશી નદી ઘાટીમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ, નેપાળે ‘લોસ એન્ડ ડેમેજ’ ફંડના બોર્ડ સમક્ષ સત્તાવાર રીતે તાત્કાલિક આર્થિક સહાયની માંગણી કરી છે. આ વ્યવસ્થા વર્ષ 2022માં સીઓપી27 (COP27) દરમિયાન સ્થાપિત કરવામાં આવી હતી અને સીઓપી28 (COP28) માં તેને લાગુ કરવામાં આવી હતી. વન મંત્રાલયના સંયુક્ત સચિવ અને ‘લોસ એન્ડ ડેમેજ’ ફંડ બોર્ડના સભ્ય મહેશ્વર ઢકાલ (Maheshwar Dhakal) એ જણાવ્યું હતું કે નેપાળે આ વ્યવસ્થા હેઠળ સહાય માંગી હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.

