"ભાજપના કાર્યક્રમોમાં મારું કામ ખુરશીઓ ગોઠવવાનું હતું" વડાપ્રધાનનું આ નિવેદન સાંભળી પત્રકારો પણ ચોંકી ગયા!

"ભાજપના કાર્યક્રમોમાં મારું કામ ખુરશીઓ ગોઠવવાનું હતું" વડાપ્રધાનનું આ નિવેદન સાંભળી પત્રકારો પણ ચોંકી ગયા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

એક સમય હતો જ્યારે ભાજપના દિવાળી મિલન સમારોહમાં મારું મુખ્ય કામ કાર્યક્રમ સ્થળે ખુરશીઓ ગોઠવવાનું અને પત્રકારોની આગતાસ્વાગતા કરવાનું હતું. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં આયોજિત 'દિવાળી મિલન' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે સંવાદ કરતી વખતે જૂના દિવસો યાદ કરતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

નેવુંના દાયકાના સંસ્મરણો વાગોળ્યા

જાહેરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની યજમાનીમાં યોજાયેલા આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નેવુંના દાયકાના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘જ્યારે હું દિલ્હી આવ્યો હતો અને પાર્ટીનું કામકાજ અશોકા રોડ સ્થિત કાર્યાલયથી ચાલતું હતું, ત્યારે મને મીડિયાની જવાબદારી સોંપાઈ હતી. તે સમયે યોજાતા દિવાળી મિલન કાર્યક્રમોમાં મારું કામ ખુરશીઓ લગાવવાથી લઈને પત્રકારોનું સ્વાગત કરવાનું અને તેમની દેખરેખ રાખવાનું રહેતું હતું. જો કે, તે વખતે કેમેરા ઓછા હતા, પરંતુ સંબંધોની આત્મીયતા તેવી જ હતી.’

પ્રેસ રિલીઝથી લઈને ઈન્સ્ટા રીલ્સ સુધી

વડાપ્રધાન મોદીએ તે સમયની અને આજના પત્રકારત્વના તફાવત વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘આજે અહીં નવી પેઢીના ઘણાં સાથીદારો છે, પરંતુ જે લોકો જૂની પેઢીના છે તેઓ જાણે છે કે, મારો ઘણાં લાંબા સમયથી તમારી દુનિયા સાથે સહજ સંબંધ રહ્યો છે. પ્રેસ રિલીઝથી લઈને ઈન્સ્ટા રીલ્સ રિલીઝ સુધી મેં મીડિયાનો એક લાંબો સમય જોયો છે.’

જૂના અનુભવો આજે પણ ઉપયોગી

આ દરિયાન પોતાના સંગઠનાત્મક દિવસોના મહત્ત્વ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું હતું કે, ‘મહેમાનોની આગતાસ્વાગતાથી લઈને ન્યૂઝ ડેસ્ક અને કેમેરા પર્સન સાથે કામ કરવાના જૂના અનુભવોમાંથી મને ઘણું શીખવા મળ્યું છે, જે આજે પણ મને ઉપયોગી સાબિત થાય છે.’

દેશમાં જેટલા મોં, એટલી વાતો…

આ દરમિયાન તેમણે લોકશાહીના મહત્ત્વની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જેટલા મોં, એટલી વાતો. ક્યારેક તો એવું લાગે છે કે, દેશમાં જેટલા લોકો છે, એટલા જ ઓપિનિયન્સ છે. અને આટલા બધા જાતભાતના ઓપિનિયન્સ જ આપણી લોકશાહીને જાળવી રાખે છે. તેને વાઇબ્રન્ટ રાખે છે અને તેમાં ભારતીય મીડિયાની બહુ મોટી ભૂમિકા છે.

આજે દરેક ગલીમાં દરેક સમાચારના એક્સપર્ટ

ઘણું બધું બદલાયું છે, દેશ બદલાયો છે, દુનિયા બદલાઈ છે, રાજકારણની પદ્ધતિ બદલાઈ. બદલાતી ટેક્નોલોજીના કારણે મીડિયાનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. પરંપરાગત મીડિયાનું કામ સરળ થઈ ગયું છે. નવા પડકારો પણ સર્જાયા છે. પહેલા મોટી મોટી ઓબી વાનનો સંઘર્ષ હતો, આજે મોબાઈલ જ ઓબી વેન બની ગયો છે. આજે દરેકનું પોતાનું પ્લેટફોર્મ અને ચેનલ છે. પોતાના પોડકાસ્ટ છે. પહેલા આપણા ત્યાં કહેવાતું કે, ભારતમાં ગલીએ ગલીએ ક્રિકેટ એક્સપર્ટ છે. કોઈ ગામની ગલીમાં લોકો કહેતા કે, સચિને શું ભૂલ કરી. અને આજે તો દરેક ગલીમાં દરેક સમાચારના એક્સપર્ટ મળી જાય છે!

આ સમાચાર શેર કરો

જાહેરાત