મુંબઈની NCC કેડેટ પ્રજ્ઞાા ડિમરીએ NDAની કપરી પસંદગી પ્રક્રિયામાં મેળવી સફળતા

મુંબઈની વિદ્યાર્થિની પ્રજ્ઞાા ડિમરી નેશનલ ડિફેન્સ એકેડમીની અતિશય કપરી પસંદગી પ્રક્રિયામાં સફળ થઈ છે. હવે તે પુણેના ખડકવાસલામાં આવેલી એનડીએમાં 156મા આર્મી ઓફિસર કોર્સમાં તાલીમ તરીકે જોડાશે.
પ્રજ્ઞાાએ ધોરણ 10નું શિક્ષણ દેહરાદૂનની સમર વેલી સ્કૂલમાંથી અને ધોરણ 12નું શિક્ષણ મુંબઈની કે.જે. સોમૈયા જુનિયર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી પૂર્ણ કર્યું છે. દેહરાદૂનના લશ્કરી વાતાવરણમાં ઉછરેલી પ્રજ્ઞાાને બાળપણથી જ દેશસેવાની લાગણી હતી. ધોરણ 7 દરમિયાન આર્મીના જવાનોને નજીકથી જોવાનો અને તેમની કાર્યશૈલીને નિહાળવાનો અનુભવ તેના માટે પ્રેરણારૃપ બન્યો હતો.
કોલેજમાં તે 6 મહારાષ્ટ્ર બટાલિયનની કેડેટ બની હતી. એનસીસીએ તેને શિસ્ત, નેતૃત્વ, ટીમવર્ક અને જવાબદારી જેવા ગુણો વિકસાવવામાં મદદ કરી હતી. 6 એમએએચ બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ નિતિશ પટિયાલ અને એએનઓ લેફ્ટનન્ટ ડૉ. સચિન નરવડે એ તેને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રજ્ઞાા ડિમરીની આ સિદ્ધિ માત્ર તેના માટે જ નહીં પરંતુ એનસીસીના તમામ કેડેટ્સ માટે પ્રેરણાસ્રોત બની છે. તેની સફળતા એ સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન દ્વારા યુવાનો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. ભારતીય સેનામાં અધિકારી તરીકે સેવા આપવાનું તેનું સ્વપ્ન હવે સાકાર થવાને આરે છે.

