મુંબઈ BMCનો સપાટો: 5 મોટી હોસ્પિટલોના 100 ડૉક્ટરો લાંબા સમયથી ગેરહાજર રહેતાં ફટકારી શો-કોઝ નોટિસ

મુંબઇની પાંચ મોટી મ્યુનિસિપલ હોસ્પિટલના 100 ડોકટરો લાંબા સમયથી ફરજ ઉફર ગેરહાજર હોવાથી બીએમસી સત્તાવાળાએ તેમને શો-કોઝ નોટિસ આપી છે.
મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે પરેલની કે.એ.એમ હોસ્પિટલના ૩૬ ડોકટર, સાયન હોસ્પિટલના ૩૦ ડૉકટર, મુંબઇ સેન્ટ્રલની નાયર હોસ્પિટલના ૨૪ ડોકટર તેમજ વિલેપાર્લેની કૂપર હોસ્પિટલના ૯ ડોકટર અને નાયર ડેન્ટલ હોસ્પિટલના એક ડેન્ટીસ્ટ એમ ૧૦૦ ડોકટરોને કારણદર્શક નાટિસ આપવામાં આવી છે.
મુંબઇની મોટી હોસ્પિટલોના તબીબોને આ નોટિસો આપવામાં આવી તેને પગલે હોસ્પિટલના ડીન દ્વારા ડોકટરોની હાજરી પર સતત નજર રાખવાનું શરૃ કરવામાં આવ્યું છે એટલું જ નહીં બીએમસી દ્વારા એવી પણ તાકી કરવામાં આવી છે કે ડૉકટર માત્ર હાજરી પૂરાવે એ પૂરતું નથી, ડૉકટરો દરદીઓની સારવારની ફરજ બજાવવામાં વ્યસ્ત રહેવા જોઇએ.
બીએમસીના મેડિકલ એજ્યુકેશન ઓફિસરે જણાવ્યું હતું કે અમે એ બાબતનું ખાસ ધ્યાન રાખશું કે ડોકટરો હોસ્પિટલમાં હાજરી આપે એ પૂરતું નથી, પણ ફરજના કલાકો દમ્યાન ખોટો ટાઇમ બગાડવાને બદલે તેમને સોંપાયેલી કામગીરી બજાવતા હોવા જોઇએ. મ્યુનિસિપલ હોસ્પિટલોમાં દરદીઓનો પ્રવાહ સતત ચાલું જ હોય છે. મોટે ભાગે ગરીબ અને સાધારણ સ્થિતિના પરિવારોમાંથી આવતા પેશન્ટોને સારી અને સમયસરની સારવાર મળી રહે એ જરૃરી છે. એટલે ડોકટરો નવરા બેઠા ન રહે કે ટાઇમ પાસ ન કરે માટે તેમની ઉપર નજર રાખવામાં આવશે એટલું જ નહીં તેમની ફળદાયક કામગીરીનું આકલન પણ કરવામાં આવશે.

