કોણ છે લલિત પ્રભાકર? બોલિવૂડમાં ધમાકો કરવા તૈયાર, ફિલ્મ 'પ્રહાર'માં બન્યો 26/ 11 મુંબઈ બ્લાસ્ટનો આતંકવાદી કસાબ

રાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘પ્રહાર’નું ગઈકાલે મંગળવારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં તે પ્રખ્યાત પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમના કિરદારમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં 26/11 હુમલા પછીની કાનૂની લડાઈ અને આતંકવાદ સામે પુરાવા તથા સત્યની જંગ બતાવવામાં આવી છે. રાજકુમાર રાવની ‘પ્રહાર’નું ટ્રેલર લોન્ચ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે થયું હતું. આ ઈવેન્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના સીએમે ફિલ્મમેકર્સની પ્રશંસા કરતાં કહ્યું કે આ માત્ર એક એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ નથી.
ફિલ્મ 'પ્રહાર'માં રાજકુમાર રાવે ઉજ્જવલ નિકમનો રોલ ભજવ્યો છે. તો બીજી તરફ મરાઠી એક્ટર લલિત પ્રભાકરે અજમલ કસાબનું પાત્ર નિભાવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં અજમલ તરીકે લલિત પ્રભાકર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા છે. તેની થોડી જ મિનિટોની ઝલકે સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે લલિત કોણ છે, તો અહીં જાણો તેના વિશે વિગતવાર....
મરાઠી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે લલિત
લલિત પ્રભાકર મરાઠી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે અને તેણે ટેલિવિઝનથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. શરૂઆતી તબક્કામાં તેણે મરાઠી ટીવીના ઘણા લોકપ્રિય શોઝમાં કામ કર્યું. ‘કુંકૂ’, ‘જીવલગા’ અને ‘આભાસ હા’ જેવા પ્રોજેક્ટ્સમાં તેના કામને પસંદ કરવામાં આવ્યું હતું. ટીવી પછી તેણે ફિલ્મો અને ડિજિટલ પ્રોજેક્ટ્સ તરફ પ્રયાણ કર્યું અને ધીમે ધીમે મરાઠી સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી.
લલિત પ્રભાકરના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. તેણે ફિલ્મ ‘ચી વા ચી સો કા’થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે સતત અલગ-અલગ પ્રકારના કિરદારો સાથે પોતાની એક્ટિંગ રેન્જ બતાવી. ફિલ્મ ‘આનંદી ગોપાલ’માં તેણે ડો. ગોપાલરાવ જોશીનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકામાં પણ તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા.

