મેરઠ હોટલ કાંડ: ગઈકાલે ‘બચાવો-બચાવો’ની બૂમો પાડતી હતી યુવતી, 24 કલાક બાદ રડતાં-રડતાં આરોપી બોલ્યો- ‘ભૂલ થઈ ગઈ, માફ કરી દો સર’

ઉત્તર પ્રદેશના મેરઠમાં હોટલમાં યુવતીને બંધક બનાવી તેની સાથે કથિત દુષ્કર્મ અને મારપીટ કરવાના ચકચારી કેસમાં ફરાર આરોપી સલમાનની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સાથેની અથડામણ (Encounter) દરમિયાન આરોપીના જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હતી. ધરપકડ બાદ સામે આવેલા વીડિયોમાં સલમાન પોલીસકર્મીઓ સમક્ષ રડતો અને માફી માગતો જોવા મળે છે. તે વારંવાર કહેતો સંભળાય છે કે, “સર, ભૂલ થઈ ગઈ, માફ કરી દો, હવે આવી ભૂલ નહીં થાય.”
યુવતીની ચીસો અને CCTV ફૂટેજથી મામલો ચર્ચામાં આવ્યો
આ ઘટના મેરઠના આબુ લેન વિસ્તારની એક હોટલમાં બની હતી. ગાઝિયાબાદની 24 વર્ષીય યુવતીએ આક્ષેપ કર્યો હતો કે સલમાને તેને હોટલના રૂમમાં બંધક બનાવી રાખી હતી અને તેની સાથે મારપીટ તથા કથિત દુષ્કર્મ કર્યું હતું. યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે. મંગળવારે યુવતી તક મળતાં હોટલમાંથી બહાર દોડી ગઈ હતી અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી. જોકે, આરોપીએ તેનો પીછો કરીને રસ્તા પર તેને પકડી પાડી હતી અને મારપીટ કર્યા બાદ ફરી હોટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની દખલથી યુવતીને મદદ મળી હતી, જ્યારે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસ પર ફાયરિંગનો પ્રયાસ કર્યાનો દાવો
પોલીસના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બરે લોહિયા નગર પોલીસની ટીમે નરહેડા ગામ નજીક નિર્માણાધીન અંડરપાસ પાસે સલમાનને ઘેરી લીધો હતો. આ દરમિયાન તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હોવાનો પોલીસનો દાવો છે. ભાગવાનો પ્રયાસ કરતી વખતે તે પુલ પરથી નીચે પડી જતાં ઘાયલ થયો હતો. પોલીસે તેને પકડીને સારવાર માટે પી.એલ. શર્મા જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગેરકાયદે દેશી તમંચો, એક જીવતો કારતૂસ અને એક ખાલી કારતૂસ જપ્ત કર્યા હોવાનું જણાવ્યું છે. સલમાન સામે મેરઠ અને ગાઝિયાબાદમાં અગાઉ પણ ગુનાના કેસ નોંધાયેલા હોવાનો પોલીસનો દાવો છે.
હોટલ સંચાલકોની ભૂમિકાની પણ તપાસ
યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. તપાસ દરમિયાન દુષ્કર્મ અને એસસી-એસટી એક્ટ (SC/ST Act) સંબંધિત કલમો ઉમેરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસ હોટલના મેનેજર અને સંચાલકની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. હાલ કેસમાં પુરાવા એકત્ર કરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આરોપો અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ આવશે.













