પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારી પર આત્મઘાતી હુમલાનું કાવતરું! મહિલાને ફસાવવા મોકલાયો હતો ફેક ઈમેલ, આરોપીની ધરપકડ

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર આત્મઘાતી હુમલાની ધમકી આપતા એક ઈમેલથી કોલકાતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં આ મામલાનો પર્દાફાશ કરીને સમગ્ર વિગત જાહેર કરી છે, જેમાં સત્ય કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. એક યુવકે અંગત અદાવતમાં એક મહિલાને આતંકી કાવતરામાં ફસાવવા માટે આ નકલી (ફેક) ઈમેલ મોકલ્યો હતો. કોલકાતા પોલીસના એડિશનલ પોલીસ કમિશનર વી. સોલોમન નેસકુમારે શનિવારે પત્રકાર પરિષદમાં આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.
ભવાનીપુર પોલીસ સ્ટેશનને મળ્યો હતો ઈમેલ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગત 14 મેના રોજ કોલકાતાના ભવાનીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આબિદા અલી નામની મહિલા પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા સાથે મળીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહી છે. આ ગંભીર ઈમેલ આવતા જ પોલીસ તંત્ર અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એલર્ટ થઈ ગયા હતા અને સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી.
મોબાઈલમાંથી મળ્યા પુરાવા, આરોપીની ધરપકડ
ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના આધારે પોલીસે તપાસ કરતા કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય હસન ઈકબાલ નામના યુવકની સંડોવણી સામે આવી હતી. એસટીએફ અને સ્થાનિક પોલીસે શુક્રવારે રાત્રે દરોડો પાડીને તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી જ સીએમ વિરુદ્ધ મોકલેલો ધમકીભર્યો ઈમેલ મળી આવ્યો હતો.
અંગત અદાવતમાં મહિલાને ફસાવવાનો હતો પ્લાન
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી હસન ઈકબાલ માત્ર હાઈસ્કૂલ પાસ છે, પરંતુ તે આઈટી (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) માં ભારે એક્સપર્ટ છે. સઘન પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું કે, જે મહિલાનું નામ ઈમેલમાં લખવામાં આવ્યું હતું તેની સાથે તેને અંગત દુશ્મનાવટ હતી. આ બદલો લેવા માટે અને મહિલાને આતંકવાદી સાબિત કરીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તેણે આ આખું નકલી કાવતરું ઘડ્યું હતું. હાલ પોલીસ આ મામલે વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે.

