VIDEO: વિકસિત ભારત માટે કૃષિ શિક્ષણમાં મોટા બદલાવની જરૂર: કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું મહત્વનું નિવેદન
કૃષિ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલર્સની 36મી વાર્ષિક પરિષદને સંબોધતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વર્તમાન સમયની જરૂરિયાતો મુજબ કૃષિ શિક્ષણ અને સંશોધનમાં વ્યાપક સુધારા કરવાની હિમાયત કરી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાનના ‘વિકસિત ભારત - વિકસિત કૃષિ, સમૃદ્ધ કિસાન’ના વિઝનને સાકાર કરવા માટે કૃષિ અભ્યાસ અને સંશોધન અત્યંત મહત્વપૂર્ણ છે. આજની વાસ્તવિક પરિસ્થિતિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે કૃષિ શિક્ષણનું નવેસરથી આયોજન કરવું પડશે."
વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્ર સામે ઉદ્ભવી રહેલા પડકારો અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, "ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ટેકનોલોજીકલ પરિવર્તનો, પાકોમાં આવતા નવા રોગો કે પછી જમીનની ફળદ્રુપતા (સોઈલ હેલ્થ) જેવા તમામ ગંભીર પ્રશ્નોના વ્યવહારુ ઉકેલો શોધવા માટે કૃષિ યુનિવર્સિટીઓએ આગળ આવવું પડશે." ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે વિદ્યાર્થીઓ અને ખેડૂતો નવી ટેકનોલોજી અને પદ્ધતિઓથી સજ્જ બને તે પ્રકારનું શિક્ષણ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો.

