VIDEO: "વિકસિત દેશની આ છે સત્યતા!": ન્યૂઝીલેન્ડમાં બીમાર બાળકને સારવાર ન મળતાં NRI મહિલાએ વ્યક્ત કરી વેદના!
વિદેશમાં સ્થાયી થયા પછી લોકો વધુ સારી સુવિધાઓનું સપના જોતા હોય છે, પરંતુ ન્યૂઝીલેન્ડથી સામે આવેલો એક વીડિયો આ વિચારસરણીને પડકારી રહ્યો છે. એનઆરઆઈ (NRI) મહિલા આકૃતિ જાયસવાલ શ્રીવાસ્તવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના 10 દિવસથી બીમાર પુત્રના ઈલાજ માટે ભટકવાનો કડવો અનુભવ શેર કર્યો છે.
ડૉક્ટરના અપોઈન્ટમેન્ટ માટે એક અઠવાડિયાની લાંબી રાહ
આકૃતિના પુત્ર કેવિથને 10 દિવસથી સતત ઉધરસ આવતી હતી. હાલતમાં સુધારો ન થતાં જ્યારે તેણે લોકલ મેડિકલ સેન્ટરનો સંપર્ક કર્યો, ત્યારે તેને એક અઠવાડિયા પછીનો સ્લોટ આપવામાં આવ્યો.
આફ્ટર-અવર્સ ક્લિનિક પર પણ તાળું મારેલું મળ્યું
હતાશ થઈને આકૃતિ અપોઈન્ટમેન્ટ વગર ચાલતા 'આફ્ટર-અવર્સ ક્લિનિક' (Emergency Clinic) પહોંચ્યા. ત્યાં બહાર નોટિસ મારેલી હતી કે ક્લિનિકની ક્ષમતા પૂરી થઈ ગઈ છે અને હવે નવા દર્દીઓને લેવામાં નહીં આવે. આકૃતિએ આ નોટિસનો જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.
ભારત vs ન્યૂઝીલેન્ડ; હેલ્થકેર પર છેડાઈ ચર્ચા
આ ઘટના બાદ આકૃતિએ કહ્યું કે વિકસિત દેશ હોવા છતાં ન્યૂઝીલેન્ડમાં ડૉક્ટર મળવા અત્યંત મુશ્કેલ છે, જ્યારે ભારતમાં તે જ દિવસે સરળતાથી ડૉક્ટર ઉપલબ્ધ થઈ જાય છે. કોમેન્ટ સેક્શનમાં અન્ય ઘણા એનઆરઆઈ લોકોએ પણ લંડન અને અન્ય દેશોના ખરાબ હેલ્થકેર સિસ્ટમના અનુભવો શેર કર્યા છે.

