અગ્નિવીર યોજનામાં મોટો ફેરફાર, સેવા વિસ્તરણ બાદ કાયમી ભરતીની તક

75 ટકા અગ્નિવીરોને બે વર્ષનું સેવા વિસ્તરણ
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ ભરતી થનારા અગ્નિવીરોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અને નિયમિત સેવામાં પસંદ ન થનારા 75 ટકા અગ્નિવીરોને બે વર્ષનું વધારાનું સેવા વિસ્તરણ (Service Extension) આપવામાં આવશે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ નિર્ધારિત નિયમો અને પસંદગીના માપદંડો પૂરા કરનારા તથા સેવામાં રહેવા સંમતિ આપનારા અગ્નિવીરોને ભારતીય સેનામાં કાયમી ભરતીની તક મળશે.
કાયમી ભરતી માટે પસંદગીના નિયમો લાગુ રહેશે
ન્યૂઝ એજન્સી ANIએ સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી વ્યવસ્થાનો હેતુ અગ્નિવીરોને વધુ સમય સુધી સેનામાં સેવા આપવાની તક આપવાનો છે. જોકે, કાયમી ભરતી માટે નક્કી કરાયેલા માપદંડો અને શરતો પૂર્ણ કરવી જરૂરી રહેશે.
અગાઉ 25 ટકા અગ્નિવીરોને જ મળતી હતી તક
અગાઉ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણિએ જણાવ્યું હતું કે, હાલની જોગવાઈ પ્રમાણે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી 25 ટકાને યોગ્યતાના આધારે નિયમિત સેનામાં સામેલ કરવામાં આવે છે. જ્યારે બાકીના 75 ટકા જવાનોને સેવા પૂર્ણ થયા બાદ મુક્ત કરવામાં આવે છે. હવે આ 75 ટકા અગ્નિવીરોને બે વર્ષનું વધારાનું સેવા વિસ્તરણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જૂન 2022માં શરૂ થઈ હતી અગ્નિપથ યોજના
જૂન 2022માં શરૂ થયેલી અગ્નિપથ યોજના હેઠળ 17.5થી 21 વર્ષની વયના યુવાનોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. આ યોજના શરૂ થઈ ત્યારથી ભરતી થયેલા ત્રણ લાખથી વધુ અગ્નિવીરો હાલમાં સશસ્ત્ર દળોમાં સેવા આપી રહ્યા છે.
અગ્નિવીરોના ભવિષ્ય અંગે લાંબા સમયથી સવાલો
યોજનાની શરૂઆતથી જ ચાર વર્ષ બાદ 75 ટકા જવાનોને સેવામાંથી મુક્ત કરવાની જોગવાઈને લઈને વિપક્ષી પક્ષો અને યુવાનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાસ કરીને સેવા પૂર્ણ થયા બાદ રોજગાર અને ભવિષ્યની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી. હવે બે વર્ષના વધારાના સેવા સમય અને ત્યારબાદ કાયમી ભરતીની તકથી અગ્નિવીરોને સેનામાં કારકિર્દી આગળ વધારવાનો વધુ એક માર્ગ મળી શકે છે. જોકે, કાયમી ભરતી તમામ અગ્નિવીરો માટે આપમેળે નહીં થાય, પરંતુ નિર્ધારિત પસંદગી પ્રક્રિયા અને શરતોને આધીન રહેશે.









