Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Maharashtra TET 2026: Deal done for 1.5 crores in paper leak, police nabs 3

Maharashtra TET 2026: પેપર લીકમાં 1.5 કરોડમાં થઈ હતી ડીલ, પોલીસે 3ને દબોચ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Maharashtra TET 2026: પેપર લીકમાં 1.5 કરોડમાં થઈ હતી ડીલ, પોલીસે 3ને દબોચ્યા
સોર્સ : gstv

મહારાષ્ટ્રમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહેલા લાખો યુવાનોની આશા પર શિક્ષણ માફિયાઓએ ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. મહારાષ્ટ્ર TET 2026નું પેપર લીક થવાની આશંકા વચ્ચે સમગ્ર પોલીસ અને શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પરીક્ષાના બરાબર એક દિવસ પહેલાં, ઠાણે પોલીસે એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ પુણે સ્થિત ‘મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ’ (MSCE) દ્વારા રવિવાર, 28 જૂનના રોજ યોજાનારી TET પરીક્ષાને હાલ પૂરતી સ્થગિત (મોકૂફ) રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે.

App Store

શનિવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ACP) અશોક દુબેએ આ સમગ્ર ઓપરેશનની વિગતવાર માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઝોન-2ના ડીસીપી પવન બંસોડને એક અત્યંત ચોક્કસ અને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક શંકાસ્પદ લોકો TETનું લીક થયેલું પેપર વેચવાની પેરવીમાં ઠાણે જિલ્લાના કોનગાંવ વિસ્તારમાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે કોનગાંવમાં સાદા ગણવેશમાં વોચ ગોઠવી દીધી હતી. સવારે આશરે 11 વાગ્યે જેવા આ ત્રણેય આરોપીઓ ત્યાં પહોંચ્યા, કે તરત જ સતર્ક પોલીસે તેમને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધા હતા. તેમની જડતી લેતા તેમની પાસેથી TET પરીક્ષાના ચાર સેટ (પેપર) મળી આવ્યા હતા. એટલું જ નહીં, તેમની પાસેથી અનેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પૈસાની લેણદેણ મોટા પાયે અને ડિજિટલ માધ્યમથી પણ થઈ રહી હતી.

દિલ્હી, હરિયાણા અને બિહાર સુધી જોડાયેલા છે તાર

પેપર લીક કરનારી આ ટોળકીના તાર માત્ર મહારાષ્ટ્ર પૂરતા સીમિત નથી, પરંતુ દેશના અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. પોલીસ પૂછપરછમાં સામે આવેલી પ્રાથમિક વિગતો ખરેખર ચોંકાવનારી છે. આ ત્રણેય આરોપીઓ દિલ્હીથી મુસાફરી કરીને મહારાષ્ટ્ર પહોંચ્યા હતા, જેમાં એક શખ્સ હરિયાણાનો રહેવાસી છે જ્યારે બાકીના બે બિહારના વતની છે. સ્પષ્ટ છે કે આ કાળા કારોબારનું નેટવર્ક ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી ઊંડે સુધી ફેલાયેલું છે.

1.5 કરોડ રૂપિયાની માંગણી

એડિશનલ કમિશનર દુબેના જણાવ્યા અનુસાર, લીક થયેલા આ પેપરોના બદલામાં અંદાજે 1.5 કરોડ રૂપિયાની મોટી રકમ માંગવામાં આવી હતી. હવે પોલીસ અધિકારીઓ એ શોધવામાં લાગ્યા છે કે આ પેપર કોને વેચવાના હતા અને તેના અસલી ખરીદદારો કોણ હતા. પોલીસે આ ત્રણેય સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

તપાસ માટે ખાસ SIT ની રચના
ભલે આ ત્રણ સાગરીતો પોલીસના હાથે ઝડપાઈ ગયા હોય, પરંતુ આ સમગ્ર ખેલનો માસ્ટરમાઇન્ડ એટલે કે મુખ્ય આરોપી હજુ પણ કાયદાની પકડથી દૂર છે અને ફરાર છે. પોલીસને પાકી શંકા છે કે આ કોઈ એક કે બે વ્યક્તિનું કામ નથી, પરંતુ તેની પાછળ એક મોટું સંગઠિત અને શાતિર ગિરોહ કામ કરી રહ્યું છે. આ સમગ્ર સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં બે આસિસ્ટન્ટ કમિશનર (ACP) અને નવ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) નો સમાવેશ કરાયો છે. આ ટીમ હવે પેપર લીકના આ આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે અલગ-અલગ રાજ્યોનો પ્રવાસ ખેડશે. 

ભિવંડી પાસે પોલીસના આ દરોડા અને પેપરો જપ્ત થવાના સમાચાર ફેલાતા જ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ (MSCE) તરત જ એક્શનમાં આવી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં પરિષદે કોઈ પણ વિલંબ વગર ૨૮ જૂનની પરીક્ષાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે.