Video: દહેરાદૂનના ઝુમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા સફેદ ટાઈગર વિશે જાણો

સોર્સ: gstv

દહેરાદૂનના પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. અઢાર નવેમ્બરે જ્યાં ઝૂમાં ઓગણીસ સો આડત્રીસ પ્રવાસીઓ આવ્યા હતા, ત્યાં બાવીસ નવેમ્બરે આ આંકડો પાંચ હજારને પાર પહોંચી ગયો હતો. એક દિવસમાં પ્રાણીસંગ્રહાલયની આવક પણ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાથી વધીને ચાર લાખ સત્યાવીસ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેનું કારણ છે ઝુમાં લવાયલો સફેદ વાઘ તેજસ. આ સફેદ વાઘના આગમનથી પ્રવાસીઓની સંખ્યા અને ઝૂની આવકમાં મોટો ઉછાળો નોંધાયો છે. સફેદ વાઘ તેજસે દૂન પ્રાણીસંગ્રહાલયની રોનક જ નહીં, પરંતુ કમાણી પણ વધારી દીધી છે.

માલસી સ્થિત દેહરાદૂન ઝૂમાં તેજસના આવ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં બમણા કરતાં પણ વધુ વધારો થયો છે. સફેદ વાઘ તેજસ હવે પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈમાં તેને જોવાનો ભારે ઉત્સાહ છે. ૧૯ નવેમ્બરે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સફેદ વાઘ તેજસના પાંજરાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેજસ નામના આ વાઘને મધ્યપ્રદેશના ગ્વાલિયરથી દહેરાદૂનના ઝુમાં લાવવામાં આવ્યો છે. આ વાઘના શરીરનો રંગ સફેદ છે અને તેના પર કાળા પટ્ટા છે. સૌથી વધુ આકર્ષક બાબત તેની આંખો છે. તેની ભૂરી આંખો પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહી છે.

જાહેરાત

દેહરાદૂન પ્રાણીસંગ્રહાલયના પ્રભારી વન ક્ષેત્રાધિકારી દીક્ષા ભટ્ટે જણાવ્યું હતું કે, તેજસના આવ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. પ્રાણીસંગ્રહાલયમાં તેજસની સાથે અન્ય વન્યજીવોને જોવા માટે પણ બાળકોની સંખ્યા વધી રહી છે. મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, અન્ય રાજ્યોની શાળાઓ પણ નિયમિતપણે શૈક્ષણિક પ્રવાસ માટે અહીં આવી રહી છે. દર બીજા દિવસે શાળાઓના સમૂહ આવી રહ્યા છે, જેનાથી બાળકોને વન્યજીવો અને તેમના સંરક્ષણ વિશે જાણવાની તક મળી રહી છે.બાળકો મોટી સંખ્યામાં સફેદ વાઘને જોવા પહોંચી રહ્યા છે, જેની સીધી અસર ઝૂની આવક પર પણ પડી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત