કાશ્મીરમાં માર્યો ગયેલો લશ્કરનો આતંકવાદી મૂસા એક સમયે મુશર્રફનો અંગરક્ષક હતો, અનેક મેડલ મેળવ્યા

સોર્સ : gstv
ગઈકાલે રાત્રે, ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ આસિફ (ઉર્ફે હાશિમ મુસા)ને ઠાર માર્યો હતો. પાકિસ્તાની સેનાના 'સ્પેશિયલ સર્વિસીસ ગ્રુપ' (SSG)નો નિવૃત્ત હવાલદાર એવો આ આતંકવાદી ૨૦૨૩માં નિવૃત્તિ બાદ આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા'માં જોડાયો હતો અને ભારતમાં ઘૂસણખોરી કરી હતી.મૂળ પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી મોહમ્મદ આસિફ (ઉર્ફે હાશિમ મુસા) ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ થયેલા 'ડેરા કી ગલી' આતંકવાદી હુમલા અને ઓક્ટોબર ૨૦૨૪માં ગુલમર્ગમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતો. આ ઉપરાંત, તેણે ૪ મે, ૨૦૨૪ના રોજ પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર થયેલા હુમલાનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતીય વાયુસેનાના એક અધિકારીનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચ જવાનો ઘાયલ થયા હતા.
પાકિસ્તાન armyમાં સેવા આપી
આતંકવાદી મોહમ્મદ આસિફ, ઉર્ફે હાશિમ મુસાએ પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)માં ૨૩ વર્ષ સુધી સેવા આપી હતી. હાશિમ મુસા ૪ કમાન્ડો 'યલગાર' બટાલિયનનો ભાગ હતો. પાકિસ્તાન આર્મીમાં તેનો સર્વિસ નંબર PA-3106947 હતો. આ ઉપરાંત, પાકિસ્તાનની નેશનલ ડેટાબેઝ એન્ડ રજીસ્ટ્રેશન ઓથોરિટી (NADRA)એ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ તેને ૩૭૧૦૫-૯૨૨૮૨૪૪-૫ નંબરનું ઓળખપત્ર (CNIC) ફરીથી જારી કર્યું હતું; આ કાર્ડ ૨૦૩૦ સુધી માન્ય હતું.
આતંકવાદી મોહમ્મદ આસિફનો પરિવાર પાકિસ્તાનના અટોક જિલ્લાના નાસિરાબાદ વિસ્તારના ધોક મલિયાર ગામનો વતની હતો. ૨૦૧૫માં, તે તેની પત્ની આબિદા પરવીન અને ત્રણ પુત્રીઓ સાથે રાવલપિંડી સ્થળાંતર કરી ગયો હતો. પાકિસ્તાન આર્મીમાં ૨૩ વર્ષ સુધી હવાલદાર તરીકે સેવા આપ્યા બાદ, આસિફ ૨૦૦૬ અને ૨૦૦૮ની વચ્ચે તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની સુરક્ષા ટુકડીમાં પણ તૈનાત હતો.
પાકિસ્તાન આર્મી તરફથી અનેક સન્માનો મેળવ્યા
આસિફે બલૂકિસ્તાનમાં BLA વિરુદ્ધ (૨૦૦૬), કુરામ એજન્સીમાં (૨૦૧૧-૧૨), ઉત્તર અને દક્ષિણ વઝિરિસ્તાનમાં (૨૦૧૪-૧૫) અને ખૈબર એજન્સીમાં TTP વિરુદ્ધ (૨૦૧૫-૧૬) SSGના અભિયાનોમાં ભાગ લીધો હતો. તેના કાર્યકાળ દરમિયાન, પાકિસ્તાન આર્મીએ તેને *તમઘા-એ-ઇસ્તિકલાલ* અને *તમઘા-એ-આઝમ* જેવા સન્માનો એનાયત કર્યા હતા. ૨૦૦૯માં, આતંકવાદી મોહમ્મદ આસિફ ઉર્ફે હાશિમ મુસાએ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના મિશનમાં પાકિસ્તાન આર્મી સાથે સેવા આપી હતી. ત્યારબાદ, ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ ૪૨ વર્ષની વયે પાકિસ્તાની સેનામાંથી નિવૃત્ત થયા પછી, તેણે ભારતમાં ઘૂસણખોરી કરી અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા'નો મુખ્ય કમાન્ડર બન્યો.

