કાશ્મીરમાં પાકિસ્તાની આતંકી ષડયંત્ર પર NIAનું મોટું ઓપરેશન: લશ્કર-એ-તૈયબાના નેટવર્ક પર 10 સ્થળે ત્રાટકી તપાસ એજન્સી!

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ચાલતા આતંકવાદી ષડયંત્ર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હેન્ડલર્સ અને કાશ્મીરમાં સક્રિય તેમના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના નેટવર્ક સામે એજન્સીએ ખીણના 10 અલગ-અલગ સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
NIAની ટીમોએ કુપવાડા, કુલગામ, બાંડીપોરા, બારામુલ્લા અને સોપોર સહિતના પાંચ મોટા જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આ તપાસનો મુખ્ય હેતુ સરહદ પારથી ઘૂસણખોરી કરી આવેલા આતંકવાદીઓને સ્થાનિક સ્તરે લોજિસ્ટિક્સ, આશ્રય અને સાધનસામગ્રી પૂરી પાડતા મદદગારોની ભૂમિકાની કડીઓ મેળવવાનો અને તેમની સામે મજબૂત પુરાવા એકત્ર કરવાનો છે.
આ મામલો શરૂઆતમાં શ્રીનગરના ઝાકુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, જેને બાદમાં ગંભીરતા જોતાં NIAએ રિ-રજિસ્ટર કરીને તપાસ પોતાના હાથમાં લીધી હતી. આ તપાસની કડીઓ 31 માર્ચ 2026ના રોજ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા એક ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ બાદ ખૂલી હતી, જેની પાસેથી એક હેન્ડ ગ્રેનેડ અને જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.
એજન્સીની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં બેઠેલા લશ્કરના આકાઓ સીધા જ સ્થાનિક નેટવર્કના સંપર્કમાં હતા. આ સ્થાનિક મદદગારો ઘૂસણખોરી કરી આવેલા વિદેશી આતંકીઓ માટે સુરક્ષિત સંદેશાવ્યવહાર, આવન-જાવન, છુપાવવાની જગ્યા, આશ્રય તેમજ સેનાના મૂવમેન્ટની રેકી કરવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.
દરોડા દરમિયાન તપાસ એજન્સી દ્વારા મોટી માત્રામાં આપત્તિજનક સામગ્રી અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ તપાસ અધિકારીઓ દ્વારા આ સામગ્રીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ કેટલીક ધરપકડો થવાની પ્રબળ શક્યતા છે.

