જાંબાઝ પાઇલટ સ્મિત મચ્છરને મળશે 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર'? FIPએ PMO સમક્ષ કરી મોટી ભલામણ!

સંકટના સમયે અદભુત સાહસ, કોઠાસૂઝ અને ધૈર્ય દાખવીને સેંકડો મુસાફરોના જીવ બચાવનાર ફ્લાયદુબઈના જાંબાઝ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરના સન્માન માટે માંગણી તેજ બની છે. 'ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ' (FIP) દ્વારા વડાપ્રધાન કાર્યાલયને સત્તાવાર વિનંતી કરવામાં આવી છે કે કેપ્ટન સ્મિત મચ્છરને યોગ્ય 'નેશનલ બ્રેવરી એવોર્ડ' (રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર) અથવા સર્વોચ્ચ રાષ્ટ્રીય નાગરિક સન્માનથી નવાજવામાં આવે.
પીએમઓને FIPની વિનંતી
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, કેપ્ટન સ્મિત મચ્છરે જે રીતે વિષમ પરિસ્થિતિઓમાં પણ શાંતિ અને સમયસૂચકતા જાળવી રાખી અનેક અમૂલ્ય જીવ બચાવ્યા છે, તે સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે. આ સાહસિક કાર્યને ધ્યાને રાખીને, ભારત સરકારના પ્રવર્તમાન નિયમો અને સક્ષમ સત્તાવાળાઓ દ્વારા તથ્યોની યોગ્ય ચકાસણી કર્યા બાદ, તેમને યોગ્ય રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અથવા રાષ્ટ્રીય સન્માન એનાયત કરવા વડાપ્રધાન કાર્યાલય વિચારણા કરે.
દેશભરમાંથી કેપ્ટન સ્મિતની પ્રશંસા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉ કેપ્ટન સ્મિત સાથે વીડિયો કોલ પર વાત કરીને તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી અને તેમની બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. હવે દેશના પાયલટ સંગઠન દ્વારા તેમના શૌર્ય અને ફરજનિષ્ઠાને સત્તાવાર રાષ્ટ્રીય ઓળખ અપાવવા માટે વડાપ્રધાન કાર્યાલય સુધી અપીલ કરવામાં આવતાં કેપ્ટન સ્મિતને રાષ્ટ્રીય સન્માન મળવાની શક્યતાઓ વધી ગઈ છે.

