યમુના સફાઈના નામે મોટો ભ્રષ્ટાચાર કે બેદરકારી? સુપ્રીમ કોર્ટે અધિકારીઓને દંડ ફટકારવાની આપી કડક ચેતવણી!

યમુના નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે ગંભીર અવલોકન કરતા જણાવ્યું છે કે, યમુનાની સફાઈ પાછળ જંગી રકમ ખર્ચવામાં આવી હોવા છતાં નદીમાં પ્રદૂષણ ઘટવાને બદલે માત્ર વધ્યું જ છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પરિસ્થિતિ નદી કિનારે આવેલા નગરો અને શહેરોના સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ફળતાને ઉજાગર કરે છે.
520 ગંદા નાળા અને નબળા શાસન પર કોર્ટની ટકોર
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે યમુના નદીની અત્યંત દયનીય હાલત સ્થાનિક નાગરિક શાસનની (Civic Governance) નબળી સ્થિતિનું પ્રતિબિંબ છે. નદીમાં 520 જેટલા નાળાઓ મારફતે ઠલવાતું ગંદું પાણી (વેસ્ટવોટર) આ ગંભીર પ્રદૂષણ માટે સીધી રીતે જવાબદાર છે. કરોડોના ખર્ચ છતાં નદીની સ્થિતિમાં કોઈ સુધારો ન થતા કોર્ટે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.
CPCB ને મોનિટરિંગનો આદેશ અને અધિકારીઓની જવાબદેહી નક્કી
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ને મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે યમુના નદી અને મુખ્ય નાળાઓ જ્યાંથી દરેક રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને જિલ્લામાં પ્રવેશ કરે છે અને જ્યાંથી બહાર નીકળે છે, તે તમામ સ્થળોએ પાણીની ગુણવત્તાનું સતત નિરીક્ષણ (મોનિટરિંગ) કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ કે જિલ્લાના અધિકારક્ષેત્રમાં નદીના પાણીની ગુણવત્તા વધુ બગડશે, તો સંબંધિત અધિકારીઓને સીધા જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.










