ઈરાને કહ્યું 'થૅંક યૂ ઈન્ડિયા': ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારતીય ડેલિગેશનની હાજરી બદલ દૂતાવાસે માન્યો આભાર

અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર બાદ ભારત સ્થિત ઈરાની દૂતાવાસે સત્તાવાર રીતે ભારત સરકાર અને અહીંના લોકોનો દિલથી આભાર માન્યો છે. ઈરાને જણાવ્યું છે કે, દુઃખ અને રાષ્ટ્રીય શોકની આ ઘડીમાં ભારતનું તેમની સાથે ઊભા રહેવું એ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના અને ઊંડા માનવીય સંબંધોનું ઉત્તમ ઉદાહરણ છે.
સોશિયલ મીડિયા પર ઈરાની દૂતાવાસનો ભાવુક સંદેશ
ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક અત્યંત ભાવુક અને સન્માનજનક પોસ્ટ શેર કરી છે. દૂતાવાસે લખ્યું કે: "અમે ભારતની મિત્ર સરકાર, ત્યાંના લોકો અને અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા સત્તાવાર ભારતીય પ્રતિનિધિમંડળ (ડેલિગેશન)નો દિલથી આભાર માનીએ છીએ. અમારા શહીદ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપવા માટે જે રીતે ભારતીય નેતાઓ અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ પહોંચ્યા, તે પરસ્પર સન્માનનું એક મજબૂત પ્રતીક છે. ઈરાનના લોકો ભારતની આ દોસ્તી અને આદરને ક્યારેય નહીં ભૂલે. "
ભારતમાંથી કોણ-કોણ રહ્યું હાજર?
ઈરાનના આ સૌથી મોટા શોક કાર્યક્રમમાં ભારત તરફથી એક મજબૂત અને સર્વદળીય પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું હતું. જેમાં ભારત સરકાર વતી વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને સત્તાવાર રીતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પણ તેહરાન પહોંચીને ખામૈનીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. તેમણે તેહરાનથી પરત ફરતી વખતે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "આ ઊંડી ખોટ અને દુઃખની ઘડીમાં અમે ઈરાનના બહાદુર લોકોની સાથે ઊભા છીએ. ઈરાન સરકારના ઉષ્માભર્યા આતિથ્ય બદલ આભાર."
ભારે તણાવ વચ્ચે મોજતબા ખામૈની બન્યા ઈરાનના નવા સુપ્રીમ લીડર
જણાવી દઈએ કે, ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ આ વર્ષે 28 ફેબ્રુઆરીએ એક મોટા અમેરિકન-ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયા હતા, જેના પછી સમગ્ર પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. તેમના 6દિવસ સુધી ચાલેલા ઐતિહાસિક અંતિમ સંસ્કારમાં તેહરાનની સડકો પર લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે તેમના પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા છે. જોકે, ઈઝરાયેલ તરફથી સતત મળી રહેલી હવાઈ હુમલાની ધમકીઓ અને સુરક્ષા ચિંતાઓને કારણે, સુરક્ષા એજન્સીઓએ મોજતબાને તેમના પિતાના અંતિમ સંસ્કારના જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

