"અમેરિકા પાસે ન તો કોઈ સભ્યતા છે..." ટ્રમ્પના નિવેદન મુદ્દે ઈરાને કરી આકરા શબ્દોમાં ટીકા!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ફરી એકવાર અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો અમેરિકા ઈચ્છત તો તે એક જ ઝાટકે ઈરાનના તમામ ટોચના નેતાઓને હંમેશા માટે ખતમ કરી શકતું હતું, જેઓ પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના જનાજા (અંતિમ સંસ્કાર) માં સામેલ થવા માટે એકઠા થયા હતા. જો કે, અમેરિકાએ આવું પગલું એટલા માટે ન ઉઠાવ્યું કારણ કે તેની પ્રાથમિકતા ઈરાન સાથે પરમાણુ વાટાઘાટોને આગળ વધારવાની છે. શનિવારે ‘એક્સિઓસ’ (Axios)ને આપેલા ફોન ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ ખુલાસો કર્યો છે.
વ્યક્તિને મારી શકો છો, તેના મૂલ્યોને નહીં
આ અંગે આર્મેનિયાના યેરેવાન સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન કર્યું છે. દૂતાવાસે જણાવ્યું છે કે, ‘વ્યક્તિને મારી શકાય છે, પરંતુ આદર્શોને નહીં. તમે આયતુલ્લાહ ખામેનેઈની હત્યા કરી, પરંતુ વાસ્તવમાં તમે અત્તરની એક એવી બોટલ તોડી છે જેની સુગંધ હવે બધે જ ફેલાઈ ગઈ છે.’
આ પોસ્ટમાં એમ પણ કહેવાયું છે કે, ‘4 જુલાઈના રોજ પોતાની આઝાદીની 250મી વર્ષગાંઠ ઊજવનારું અમેરિકા, ખામેનેઈના અવસાન પર ઉમટેલી જનમેદનીના આ આકરા શોક અને લાગણીના પૂરને ક્યારેય સમજી શકશે નહીં, કારણ કે અમેરિકા પાસે ન તો કોઈ સભ્યતા છે, ન ઈતિહાસ કે ન કોઈ સન્માન.’
નોંધનીય છે કે, તેહરાનના પ્રસિદ્ધ ઈમામ ખુમેની ગ્રાન્ડ મોસલ્લાના ખુલ્લા મેદાનમાં ખામેનેઈના પાર્થિવ દેહને શબપેટી (કોફિન)માં અંતિમ દર્શન માટે રખાયો છે. અમેરિકાના હુમલામાં ખામેનેઈની સાથે તેમના પરિવારના કેટલાક સભ્યોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ સામૂહિક અંતિમ દર્શનમાં ખામેનેઈની સાથે માર્યા ગયેલા તેમના પરિવારજનોના દેહ પણ મૂકાયા છે, જેમાં તેમની પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને માત્ર 14 મહિનાની પૌત્રીનો સમાવેશ થાય છે.
ન્યૂક્લિયર ડીલ માટે ઈરાન આતુર હોવાનો દાવો
આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમે એક જ હુમલામાં ઈરાનના આખા ટોચના નેતૃત્વને ખતમ કરી શકતા હતા, પરંતુ અમે એવું નથી કર્યું. જો અમે બધાને જ પૂરા કરી દઈએ તો પછી અમારી પાસે ન્યૂક્લિયર ડીલ અંગે વાટાઘાટો કરવા માટે કોઈ બચશે જ નહીં." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, ઈરાન આ સમયે આર્થિક અને લશ્કરી દબાણ હેઠળ છે અને તે કોઈ પણ સંજોગોમાં અમેરિકા સાથે સમજૂતી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ગમે તેમ કરીને વાતચીત શરૂ કરવા ઈચ્છે છે. અમેરિકા માત્ર સૈન્ય કાર્યવાહી કરવા નથી માંગતું, પણ પરમાણુ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલની શક્યતાઓને જીવંત રાખવા માંગે છે.
થોડા દિવસ માટે વાતચીત સ્થગિત
અત્યારે પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના જનાજાની અંતિમ વિધિઓ અને ધાર્મિક વિધિઓ બાકી હોવાને કારણે બંને પક્ષોએ થોડા દિવસો માટે વાતચીત સ્થગિત રાખવા સંમતિ દર્શાવી છે. આ દરમિયાન ટ્રમ્પે પોતાના જૂના દાવાને પણ પુનરાવર્તિત કર્યો હતો કે, આયતુલ્લા અલી ખામેનેઈ તો યુદ્ધના પહેલા જ દિવસે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત લશ્કરી ઓપરેશનમાં માર્યા ગયા હતા.
જનાજાની ભીડ જોઈને ટ્રમ્પ આશ્ચર્યચકિત
ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, તેઓ આયતુલ્લા અલી ખામેનેઈના જનાજામાં ઉમટેલી માનવમેદની જોઈને ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "મને એમ હતું કે ઈરાનની જનતા પોતાના સર્વોચ્ચ નેતા ખામેનેઈને ધિક્કારે છે, તેથી ત્યાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા થયેલા જોઈને મને નવાઈ લાગી છે."
જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવતા નિવેદનમાં ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે, કદાચ ત્યાં હાજર લોકોની આંખોમાં દેખાતા આંસુ સાચા ન પણ હોય.

