"અમેરિકાના પૈસાથી આતંકવાદ પોષાય છે!" એલન મસ્કના એક નિવેદનથી મચ્યો વૈશ્વિક બખેડો

દુનિયાની સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા- સ્પેસ એક્સના સ્થાપક એલન મસ્કે અમેરિકા દ્વારા ગરીબ દેશોને અપાતી મદદ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેઓએ સોશ્યલ મીડિયા 'એક્સ' ઉપર લખ્યું કે, અમેરિકી એજન્સી યુ.એસ. એઇડના પૈસા આતંકવાદને પોષવા માટે જ વપરાય છે. તેઓના આ વિધાનોથી અમેરિકા તથા અન્ય દેશોમાં હડકંપ મચી ગયો છે.
મસ્કે એક્સ પર એક યૂઝરને જવાબ આપતા લખ્યું કે, સીરીયાના એક નાગરિકે અમેરિકા દ્વારા અપાતી લાખ્ખો ડૉલરની રકમ, અલ- કાયદા સાથે જોડાયેલા એક આતંકવાદી સંગઠનને મોકલી દીધી હતી.
એલન મસ્કના અમેરિકી અધિકારીઓએ પણ પુષ્ટિ કરી હતી. અમેરિકાની જાસૂસી સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ના એક વિશેષ એજન્ટ સંજય વીરમાનીએ કહ્યું હતું કે, 'આતંકી સંગઠન અલ-હફયાને અમેરિકાએ રાહત કાર્યો માટે મોકલેલા પૈસાથી પોતાના જ ખિસ્સા ભર્યા હતા તે માટે દસ્તાવેજી પુરાવા પણ છે. અને તે માટે હાથ ધરાયેલી તપાસમાં પણ તે જાણવા મળ્યું છે. 2024ના યુ.એસ. એઇડ ઓ.આઇ.જી.એ એક એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે, ગાઝામાં પણ સહાય માટે મોકલેલી રકમમાં ચોરી થવાની પૂરી શક્યતા છે કારણ કે તે રકમ ખોટા હાથોમાં જઈ રહી છે.'

