NEWS AFTERNOON: ઈરાને પરમાણુ કરતાં પણ ખતરનાક 'હથિયાર' બનાવ્યુ, કોંગ્રેસ ધારાસભ્ય પર જૂતું ફેંકાયું! ગેસ સિલિન્ડરના કાળાબજારનો પર્દાફાશ
ઈરાને પરમાણુ કરતાં પણ ખતરનાક 'હથિયાર' બનાવ્યું!
ઈરાનના વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન જગતમાં એક નવો ખૌફનાક ઈતિહાસ રચી દીધાનો દાવો કર્યો છે. ઈરાને માનવ કોષોની મદદથી સુપરકમ્પ્યુટરથી પણ કરોડો ગણું ફાસ્ટ ‘આર્ટિફિશિયલ મગજ’ બનાવ્યું હોવાનં કહેવામાં આવે છે. ડેટા અને કોડિંગ વગર આપમેળે શીખતી આ ટેકનોલોજી સિલિકોન ચિપ કરતાં ૧૦ લાખ ગણી ઓછી વીજળી વાપરતી હોવાનું જણાવવામાં આવ્યું છે, જેણે પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂકી દીધા છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા: ઈરાન પર અમેરિકાનો મોટો એટેક
અમેરિકાએ ૨૪ કલાકમાં ઈરાન પર બીજો પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે. ઓઈલ ટેન્કર પર થયેલા ડ્રોન એટેક બાદ ટ્રમ્પના આદેશથી સૈન્ય ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા. ટ્રમ્પે ઈરાનને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવાની ખુલ્લી ચેતવણી આપતા મિડલ ઈસ્ટમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ ઈશ્વર પર ફેંકાયું જૂતું!
કર્ણાટકના ચિકબલ્લાપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ ઈશ્વર પર જૂતું ફેંકવાની ઘટનાથી હંગામો મચી ગયો છે. રોડ શો દરમિયાન બે અજાણ્યા શખ્સોએ જૂતું ફેંકતા ગુસ્સે ભરાયેલા સમર્થકોએ ધરણા પ્રદર્શન કરી આરોપીઓની ધરપકડની માંગ કરી છે.
મોહરમના જુલૂસમાં દવાના નામે ઝેરી કેપ્સ્યુલ વહેંચનાર આરોપીની કબૂલાત!
મુંબઈના ભાયખલામાં મોહરમના જુલૂસમાં ઝેરી કેપ્સ્યુલ વહેંચનાર આરોપી ફૈયાઝ પ્રેમજીએ 15,000 લોકોને મારવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી ઉંદર મારવાના ઝેર 'ઝીંક ફોસ્ફાઇડ'થી ભરેલી ૧૪,૯00 કેપ્સ્યુલ્સ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સિક્કિમમાં ભારે વરસાદથી પુલ ધરાશાયી
સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદથી ફિડાંગ પાસે નદી પરનો બેઈલી પુલ તૂટી પડ્યો છે. પુલ ધરાશાયી થતાં ફિડાંગ અને સાંકલાંગ વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ્પ થયો છે, જ્યારે ખરાબ હવામાનને કારણે રાહત કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
ગેસ સિલિન્ડરના મોટા કાળાબજારનો પર્દાફાશ!
સુરેન્દ્રનગર SOGની ટીમે રતનપર વિસ્તારમાં એક ભંગારના ડેલા પર દરોડો પાડી ૭૪ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. ભંગારની આડમાં સસ્તામાં સિલિન્ડર ખરીદી હોટલોમાં ઊંચા ભાવે સપ્લાય કરનાર મુખ્ય આરોપી અશોક કાવેટીયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લોકાર્પણ પહેલા જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફાટ્યો!
સુરેન્દ્રનગરના શિયાણી ગામે લાખોના ખર્ચે બનેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થાય તે પહેલા જ નબળા કામને કારણે ફાટી ગયો છે. દિવાલોમાં મોટી તિરાડો પડતાં પંચાયતે પ્લાન્ટને તાળું મારી દીધું છે, જ્યારે ગ્રામજનોએ ભારે રોષ સાથે તપાસની માંગ કરી છે.
વાહનચોરી કરતાં રાજસ્થાનના 2 શખ્સો સહિત 3 લોકોની ધરપકડ
અમદાવાદ LCB ઝોન-4 પોલીસે વાહન ચોરી કરતી ગેંગના ૩ સાગરીતોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 4.50 લાખની ૧૫ ચોરાયેલી મોટરસાયકલ જપ્ત કરાતાં ગુજરાત અને રાજસ્થાનના 11 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

