NEWS AFTERNOON: ઇઝરાયેલ-લેબનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, એક જ ફ્લાઈટમાં સાથે દેખાયા ફડણવીસ-ઠાકરે!, અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે
ઇઝરાયેલ-લેબનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર!
અમેરિકાની મધ્યસ્થતામાં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર થયા છે. જો કે, પીએમ નેતન્યાહૂએ શરત મૂકી છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયેલી સેના દક્ષિણ લેબેનોનમાં જ હાજર રહેશે. જેથી હજુ પણ ટેન્શન યથાવત છે.
હોર્મુઝ હુમલાનો અમેરિકાએ લીધો ભીષણ બદલો!
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજ પર થયેલા હુમલાનો અમેરિકાએ ઈરાન પર મોટો જવાબી હુમલો કરીને બદલો લીધો છે. સ્વિટ્ઝર્લેન્ડ શાંતિ કરાર પછીના આ પ્રથમ સીધા હુમલામાં અમેરિકી સેનાએ ઈરાનમાં ઘૂસીને તેની મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને રડાર સાઈટ્સને તબાહ કરી દીધી છે.
એક જ ફ્લાઈટમાં સાથે જોવા મળ્યા ફડણવીસ-ઠાકરે!
મુંબઈથી નાગપુર જતી એક જ ફ્લાઈટમાં કટ્ટર વિરોધી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે સાથે મુસાફરી કરતા જોવા મળ્યા, જેનો વીડિયો વાયરલ થયો છે. આ દરમિયાન સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પણ સાથે હતા. સંસદીય તાકાત ઘટ્યા બાદ આદિત્ય ઠાકરેએ ભાજપને રાજીનામું આપી ફરી ચૂંટણી લડવાનો પડકાર પણ ફેંક્યો છે.
ભારતમાં પોતાના નામે રોડ જોઈ ગદગદ થયા ડોનાલ્ડ ટ્રમ્પ!
હૈદરાબાદમાં અમેરિકાના 250મા જન્મદિવસ નિમિત્તે એક મુખ્ય માર્ગનું નામ 'ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ' રાખવામાં આવ્યું છે. આ સન્માનથી ગદગદ થયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતનો આભાર માન્યો છે. બીજી તરફ, કોંગ્રેસ સરકારના આ પગલા બદલ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. તેઓ દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત, ગાંધીનગરમાં સરકારી યોજનાઓની સમીક્ષા બેઠક યોજ્યા બાદ સાંજે રાણીપ ખાતે ભવ્ય ‘લોકદરબાર’માં નાગરિકોની સમસ્યાઓ સાંભળશે.
ભાવનગરમાં જાહેરમાં છરી સાથે મારામારીનો વીડિયો વાયરલ!
ભાવનગરના રૂપમ ચોકમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોહરમના તહેવારને પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આવી ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જોકે, જીએસટીવી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
અમદાવાદમાં 22 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા!
અમદાવાદના સિંગરવા વિસ્તારમાં 22 વર્ષીય શીતલ દાસ નામની યુવતીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. એક કથિત તાંત્રિક યુવક સાથે પ્રેમસંબંધમાં રહ્યા બાદ તે પરણિત અને બે સંતાનોનો પિતા હોવાનું સામે આવતાં યુવતી માનસિક તણાવમાં હતી, જેથી આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આરોપ છે.
મોરબીમાં વીજ લાઇન નાખવાના મામલે વિવાદ વકર્યો, SPG મેદાને!
મોરબીમાં ખેડૂતોની મંજૂરી વગર ખાનગી કંપની માટે વીજ લાઇન નાખવાના મામલે વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્ર SPG અધ્યક્ષ કલ્પેશ રાંકે મુખ્યમંત્રીને પત્ર લખી પોલીસના દુરુપયોગનો આક્ષેપ કર્યો છે, સાથે જ ચીમકી આપી છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

