NEWS AFTERNOON: હોર્મુઝમાં ઈરાનના હુમલથી 11 હજાર નાવિકો મુશ્કેલીમાં, બાંગ્લાદેશમાં ભારતની પાવર ડિપ્લોમેસી, રાજકોટમાં ભાજપ કાર્યકરની દાદાગીરી
હોર્મુઝની ખાડીમાં ઈરાનનો ડ્રોન હુમલો: 11 હજાર નાવિકો મુશ્કેલીમાં
હોર્મુઝની ખાડીમાં કાર્ગો શિપ પર ઈરાનના ડ્રોન હુમલા બાદ યુનાઈટેડ નેશન્સે મોટો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણે 11 હજાર નાવિકોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવાયું છે. ઈરાનની ચેતવણી બાદ સમુદ્રી માર્ગે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
બાંગ્લાદેશમાં ભારતની પાવર ડિપ્લોમેસી: નવા દૂતને કેબિનેટ મંત્રીનો દરજ્જો
ભારત સરકારે બાંગ્લાદેશ સાથેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા મોટો નિર્ણય લીધો છે. નવા હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે બાંગ્લાદેશી નાગરિકો માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની મોટી જાહેરાત કરી છે.
રામ મંદિરમાં દાનચોરી મામલે મોટી કાર્યવાહી: ૮ આરોપીઓની ધરપકડ
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં પોલીસે તમામ આઠેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. SITના રિપોર્ટ બાદ આ એક્શન લેવાયું છે. કસ્ટડીમાં લેવાયેલા આરોપીઓમાં ૬ કેશિયર અને મુખ્ય સૂત્રધાર ટિન્નુ યાદવ સામેલ છે, જેની કરોડોની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.
વેનેઝુએલા: ભૂકંપમાં 235થી વધુના મોત, કાટમાળ નીચે જિંદગીની શોધ
વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં 235 લોકોના મોત થયા છે અને 4,300થી વધુ લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાથી શક્ય તેટલી ઉતાવળે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.
રાજકોટમાં ભાજપ કાર્યકરની દાદાગીરી: રસ્તા વચ્ચે સ્કૂલ બસને રોકી
રાજકોટમાં ભાજપ કાર્યકરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. રોંગ સાઇડમાં કાર લાવી સ્કૂલ બસનો રસ્તો રોક્યા બાદ, નેતાજી કાર અધવચ્ચે મૂકીને રવાના થઈ ગયા હતા. ભારે ટ્રાફિક જામ વચ્ચે શાળાના માસૂમ બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વિવાદ: તોછડા વર્તન બદલ જજ સામે ફરિયાદ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ એમ.કે. ઉપાધ્યાય સામે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને મોરચો માંડ્યો છે. વકીલો અને પક્ષકારો સાથે તોછડા વર્તન તથા કેસોની ઢીલી સુનાવણીના આક્ષેપ સાથે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી છે.
દિયોદરમાં ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રના મોત
દિયોદરના વડાણા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે પરિવારની મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ખેડૂત આંદોલનનો 9મો દિવસ: હજારો મહિલાઓ સમર્થનમાં
મોરબીના જેતપર ગામે વિજપોલના યોગ્ય વળતર માટે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે 9મો દિવસ છે. રાત્રે યોજાયેલા વિશેષ નાટકમાં હજારો મહિલાઓ ઉમટી પડતાં આંદોલન વધુ મજબૂત બન્યું છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ખેડૂતોની ઐતિહાસિક એકતા દર્શાવે છે.

