VIDEO: જંતર-મંતર પર ઈન્ટરનેટ ઠપ્પ, વિદ્યાર્થીઓ પર પોલીસના લાઠીચાર્જથી સ્થિતિ તંગ: વિપક્ષમાં ભારે આક્રોશ
લોકસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જંતર-મંતર ખાતે એકઠા થયેલા આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર પોલીસની કડક કાર્યવાહી બાદ સ્થિતિ વધુ તંગ બની છે. સવારના સમયે જંતર-મંતર પહોંચેલા પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં અચાનક ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા બળપ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે ટીયરગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો છે. સાથે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે.
આ ઘટના પર આકરા પ્રહારો કરતા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, "અહિંસક રીતે વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર જે સરકાર બળપ્રયોગ અને દમનની નીતિ અપનાવે છે, તેવી સરકારના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પોતાના હકની માંગણી કરતા યુવાનોનો અવાજ દબાવવા માટે ઈન્ટરનેટ બંધ કરી દેવું અને પોલીસનો ઉપયોગ કરવો એ સરકારની નબળાઈ દર્શાવે છે."
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જંતર-મંતર પર યોજાયેલા આ આંદોલનને પગલે નવી દિલ્હી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ પર થયેલી આ કાર્યવાહી બાદ વિપક્ષ અને પ્રદર્શનકારીઓમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રદર્શનકારીઓ સંસદની ખૂબ નજીક આવેલ રેલ ભવન સુધી પહોંચી ગયા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ. સાઉથ ગેટ સહિત સંસદના બે પ્રવેશદ્વારો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ, રેલ ભવન અને ટ્રાન્સપોર્ટ ભવન નજીક ટીયર ગેસ અને સતત એનાઉન્સમેન્ટ (જાહેરાતો) દ્વારા પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા. વિજય ચોક, રાયસીના રોડ અને સંસદની આસપાસ CRPF, પેરામિલેટ્રી અને સંસદ સુરક્ષા દળની ભારે તૈનાતી કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ સંસદ પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓ મેટ્રો સ્ટેશનો પરથી મોટી સંખ્યામાં નીકળીને પગપાળા રેલ ભવન તરફ પહોંચ્યા હતા. સામાન્ય રીતે વિરોધ પ્રદર્શન રાયસીના રોડ સુધી જ મર્યાદિત રહેતા હોય છે, પરંતુ આ વખતે પ્રદર્શનકારીઓનું રેલ ભવન સુધી પહોંચવું અસાધારણ માનવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓ સંસદના મુખ્ય પ્રવેશદ્વારથી માત્ર થોડા સો મીટરના અંતરે પહોંચી ગયા હતા. પોલીસ, એન્ટી-રાયટ ટીમ અને CRPFએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લગભગ દોઢ કલાક સુધી ભારે મથામણ કરવી પડી હતી.

