VIDEO: ભારતીય વાયુસેના અને પવન હંસને HAL તરફથી નવાં ટ્રેનર વિમાનો અને હેલિકોપ્ટર સોંપાયાં
બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL દ્વારા ભારતીય વાયુસેના અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ત્રણ સ્વદેશી એરક્રાફ્ટ પ્લેટફોર્મની ડિલિવરી કરવામાં આવી છે. HAL દ્વારા ભારતીય વાયુસેનાને LCA તેજસ FOC ટ્વિન-સીટર ટ્રેનર અને HTT-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ સોંપવામાં આવ્યા હતા. પવન હંસ લિમિટેડને ધ્રુવ NG હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા હતા. હેન્ડઓવર કાર્યક્રમ બેંગલુરુમાં યોજાયો હતો, જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સહિત સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. LCA તેજસ FOC ટ્વિન-સીટર ટ્રેનર મૂળ તેજસ ફાઇટરનું બે સીટવાળું તાલીમ સંસ્કરણ છે, જેમાં આગળ પાઇલટ અને પાછળ પ્રશિક્ષક બેસી શકે છે. આ વિમાનનો ઉપયોગ ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ્સને અદ્યતન જેટ તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ બનશે.
HAL દ્વારા આ ડિલિવરી સાથે FOC કોન્ટ્રાક્ટ હેઠળના ટ્વિન-સીટર તેજસ ટ્રેનર એરક્રાફ્ટની ડિલિવરી પૂર્ણ થઈ છે. બીજી તરફ HTT-40 ભારતનું સ્વદેશી બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે, જે પાઇલટ તાલીમના પ્રારંભિક તબક્કામાં ઉપયોગ માટે વિકસાવવામાં આવ્યું છે. HALને ભારતીય વાયુસેના માટે કુલ 70 HTT-40 વિમાનોનો ઓર્ડર મળ્યો છે અને HAL CMD રવિ કુમારના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઓર્ડરની ડિલિવરી આગામી ચારથી પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે છે. તે0
તેજસ અને એરક્રાફ્ટની ડિલિવરી સાથે પવન હંસને ધ્રુવ NG હેલિકોપ્ટરની પ્રથમ બેચ સોંપવામાં આવી હતી. પવન હંસે કુલ 10 ધ્રુવ NG હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી પ્રથમ ચાર હેલિકોપ્ટર સોંપવામાં આવ્યા હતા. HAL CMD રવિ કુમારે ધ્રુવ NGને મલ્ટી-રોલ સિવિલિયન હેલિકોપ્ટર ગણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરનો ઉપયોગ ઓફશોર કામગીરી, મેડિવેક એટલે કે દર્દીઓને હવાઈ માર્ગે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિત વિવિધ નાગરિક કાર્યોમાં થશે. તેમના જણાવ્યા પ્રમાણે ધ્રુવ NGની ડિલિવરી HAL અને દેશ બંને માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
HALના જણાવ્યા પ્રમાણે આ પ્લેટફોર્મ્સની ડિલિવરીથી દેશની સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન ક્ષમતા વધુ મજબૂત થશે. એરોસ્પેસ ક્ષેત્રમાં સ્થાનિક ઉદ્યોગની ભૂમિકા વિસ્તરશે.

