JEE એડવાન્સ્ડ 2027માં પ્રથમવાર ઓન-સ્ક્રીન કેલ્ક્યુલેટર વાપરવાની મળશે મંજૂરી

JEE એડવાન્સ્ડ (JEE Advanced) 2027ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. IIT દિલ્હીએ જાહેરાત કરી છે કે આગામી વર્ષે યોજાનારી પરીક્ષામાં ઉમેદવારોને પહેલીવાર ઓન-સ્ક્રીન બેઝિક કેલ્ક્યુલેટર (On-screen Basic Calculator) વાપરવાની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) હોવા છતાં વિદ્યાર્થીઓને આ સુવિધા આપવામાં આવતી નહોતી.
10થી 12 ડિજિટનું કેલ્ક્યુલેટર મળશે
IIT દિલ્હીએ જાહેર કરેલી માહિતી મુજબ, JEE એડવાન્સ્ડ 2027માં ઉમેદવારો 10થી 12 ડિજિટના ડિસ્પ્લે ધરાવતા બેઝિક એટલે કે નોન-સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશે. આ સુવિધાથી ખાસ કરીને ગણિતના પ્રશ્નો ઉકેલવામાં વિદ્યાર્થીઓનો સમય બચી શકે છે. જોકે, કેલ્ક્યુલેટરમાં વૈજ્ઞાનિક ગણતરીઓની સુવિધા ઉપલબ્ધ નહીં હોય.
ગણિત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના 34-34 પ્રશ્નો
JEE એડવાન્સ્ડમાં ગણિત (Mathematics), ફિઝિક્સ (Physics) અને કેમિસ્ટ્રી (Chemistry) એમ ત્રણ વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. દરેક વિષયમાં 34 પ્રશ્નો પૂછવામાં આવે છે. IITના એક વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે, ઓન-સ્ક્રીન કેલ્ક્યુલેટરથી ગણતરીમાં લાગતો સમય ઘટી શકે છે અને વિદ્યાર્થીઓને પ્રશ્નો ઉકેલવામાં મદદ મળી શકે છે.
અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સુવિધા
IIT દ્વારા લેવાતી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ (GATE), IIMની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT), ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન્સ (GRE) અને ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (GMAT) જેવી પરીક્ષાઓમાં પણ ઓન-સ્ક્રીન કેલ્ક્યુલેટરની સુવિધા આપવામાં આવે છે.
અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર પ્રતિબંધ યથાવત્
કેલ્ક્યુલેટર વાપરવાની મંજૂરી મળવા છતાં પરીક્ષા કેન્દ્રમાં અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે. મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, ઇયરફોન, પેન ડ્રાઇવ, ઇલેક્ટ્રોનિક પેન, પ્રિન્ટેડ કે હાથથી લખેલા કાગળો, લોગ ટેબલ, પર્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવાની મંજૂરી નહીં મળે.
23 મેના રોજ યોજાશે JEE એડવાન્સ્ડ 2027
JEE એડવાન્સ્ડ 2027ની પરીક્ષા 23 મેના રોજ યોજાવાની છે. દેશની 23 IITમાં BTechની અંદાજે 18 હજાર બેઠકો ઉપલબ્ધ છે. JEE મેઇન (JEE Main)માં ટોચના 2.5 લાખ સ્કોર કરનારા ઉમેદવારો JEE એડવાન્સ્ડ માટે પાત્ર ગણાશે. ઉમેદવાર સતત બે વર્ષમાં વધુમાં વધુ બે વખત JEE એડવાન્સ્ડ આપી શકે છે. પ્રથમ પ્રયાસ ધોરણ 12 પાસ કરવાના વર્ષમાં અને બીજો પ્રયાસ ત્યાર પછીના વર્ષે કરવાનો હોય છે.









