SIR વિરોધ પ્રદર્શન મામલે ઇમરાન ખાને માફી માગી, હવે કઝિન ઝયાન મેરી ખાનના OCI સ્ટેટસની તપાસ

મુંબઈમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના મામલે અભિનેતા ઇમરાન ખાને બિનશરતી માફી માગી છે. સાથે જ તેમણે ભવિષ્યમાં કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવાની બાંહેધરી (Undertaking) પણ આપી છે. હવે આ મામલે તેમના પિતરાઈ બહેન અને અભિનેત્રી ઝયાન મેરી ખાનના ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા (OCI) દરજ્જાની તપાસ શરૂ થઈ છે. મુંબઈ પોલીસે વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી (FRRO)ને પત્ર લખીને તેમના OCI કાર્ડની સ્થિતિની ચકાસણી કરવા વિનંતી કરી છે.
10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શન બાદ કાર્યવાહી
આ સમગ્ર મામલો 10 ઓક્ટોબરે મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે. તુષાર ગાંધીની સંસ્થા ‘હમ ભારત કે લોગ’ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકન નાગરિક ઝયાન ખાન અને તેમના ભાઈ ઇમરાન ખાને ભાગ લીધો હતો. બંને કલાકારોને વિરોધ પ્રદર્શન સ્થળેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસના દક્ષિણ વિભાગે બંનેના OCI દરજ્જાની તપાસ માટે FRROને પત્ર લખ્યો હતો.
ઇમરાનને ‘લીવ ઇન્ડિયા નોટિસ’ અપાઈ હતી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરે FRROએ ઇમરાન ખાનને ‘લીવ ઇન્ડિયા નોટિસ’ (Leave India Notice) ફટકારી હતી. તેના બે દિવસ બાદ પોલીસે ઝયાન ખાન અંગે FRROને પત્ર લખીને જાણ કરી હતી કે તેમની સામે FIR નોંધાઈ છે અને તેમના OCI દરજ્જાની ચકાસણી જરૂરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઝયાન મેરી ખાનનો જન્મ મુંબઈમાં થયો છે, પરંતુ તેઓ અમેરિકન નાગરિક છે અને તેમની પાસે OCI કાર્ડ છે.
બોમ્બે હાઈકોર્ટનો માફીનો આદેશ
2 નવેમ્બરે બોમ્બે હાઈકોર્ટે ઇમરાન ખાનને બિનશરતી માફી (Unconditional Apology) માગવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે OCI કાર્ડધારકોને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો અધિકાર નથી. આ પછી ઇમરાને ભવિષ્યમાં કોઈપણ વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપી હતી. દરમિયાન, ઇમરાન ખાનના વકીલે જણાવ્યું છે કે ઝયાન ખાનને હજુ સુધી FRRO તરફથી કોઈ નોટિસ મળી નથી. હવે FRRO દ્વારા તેમના OCI દરજ્જા અંગે કરવામાં આવતી તપાસના પરિણામ પર સૌની નજર છે.





